આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં વેક્સીનેશન, સરકારની વિવિધ યોજનાઓ અને શિક્ષણને લગતા મુદ્દાઓ પર વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોરોનાથી રક્ષિત કરવા ઘર ઘર દસ્તક અભિયાન હેઠળ વેક્સીનેશન માટે આગામી ૧૫ દિવસમાં રાજ્યમાં દરરોજ 75 ગામોમાં વેક્સીન આપવામાં આવશે. રાજ્યમાં દરરોજ 75 થી વધુ ગામો આવરી લઇ 700 થી 800 ટીમો દ્વારા રસીકરણ કરાવવામાં આવશે અને વેક્સીનેશનની કામગીરી વધુ ઝડપી બનાવવા પર ધ્યાન આપવામાં આવશે.
આ ઉપરાંત ચોમાસામાં બાળકોને શિક્ષણ સુવીધા મળી રહે એ માટે વધુ પાણી ભરાતા તમામ ગામોમાં રૂ.1000 કરોડથી વધુ રકમના નદી નાળા કોઝવેના સ્ટ્રક્ચર બનાવાશે.
નિરામય યોજના અંતર્ગત એક જ દિવસમાં 66 હજારથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.
નવી શિક્ષણ નીતિનો રાજ્યવ્યાપી અમલ માટે રોડમેપ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને આગામી 10 વર્ષમાં સંપૂર્ણ અમલ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને કેમ્બ્રિજ પાર્ટનરશીપ ફોર એજ્યુકેશન વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. દેશમાં આ પ્રકારનો પહેલો સમજુતી કરાર છે જેમાં રાજ્યના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીયકક્ષાનું શિક્ષણ મેળવવા તક મળશે.આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ધોરણો ધ્યાને રાખી ધોરણ-6 થી 12ના વિદ્યાર્થીઓ માટે સર્વોત્તમ અભ્યાસક્રમ તૈયાર કરાશે અને વિદ્યાર્થીઓને દ્વિભાષી માધ્યમથી શિક્ષણ અપાશે