જામનગર તાલુકાના ચેલા નજીક દિવાળીની રાત્રિના સમયે દરેડથી ચેલા ઘર તરફ આવી રહેલા બાઇકને પુરપાટ રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રકએ ઠોકર મારી હડફેટ લેતાં કાકા-ભત્રીજાનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે ટ્રકચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગમખ્વાર હિટ એન્ડ રનના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતાં ચંદુભા માનસંગજી કેર નામના પ્રૌઢ તેના ભત્રીજા રાજદીપસિંહના જીજે-10-બીસી-2141 નંબરના બાઇક પર દરેડથી ચેલા ગામ તરફ દિવાળીના રાત્રિના સમયે પરત ઘરે ફરતા હતા. ત્યારે ચેલા રોડ પર રામદેવપીરના મંદિર પાસે પહોંચ્યા ત્યારે સામેથી રોંગ સાઇડમાં આવી રહેલા જીજે12-બીડબલ્યુ-0263 નંબરના ચાલકે નશો કરેલી હાલતમાં ટ્રક બેફિકરાઇથી ચલાવી રાઇટ સાઇડમાં આવી રહેલા બાઇકને ઠોકર મારી હડફેટ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલક ચંદુભા માનસંગજી કેર (ઉ.વ.55) નામના પ્રૌઢને તેના ભત્રીજા રાજદિપસિંહ કેર નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં કાકા-ભત્રીજાના મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતક ચંદુભાના પુત્ર હરદીપસિંહ કેર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.વી. રોયલા તથા સ્ટાફે હોસ્પિટલે મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાશી ગયેલા ચાલકની શોધખોળ આરંભી ટ્રક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


