અર્થતંત્ર તથા વેરાઓના જાણકારોનું માનવું છે કે, સરકારની ટેકસની આવક મોટી થશે. કોરોનાની બીજી લહેર છતાંય સરકારની ડાઇરેકટ ટેકસની આવક બમણી થવાની શકયતાઓ છે.
નિષ્ણાંતો કહે છે : સરકારની ડાયરેકટ ટેકસની આવક વર્ષ 2020/21માં 87700 કરોડ રૂપિયા હતી. સરકારે આ વર્ષમાં રૂા.37300 કરોડનાં રીફંડ ચૂકવ્યા હતાં. તેની સામે વર્ષ 2021/22માં સરકારની ડાઇરેકટ ટેકસની આવક રૂા.162000 કરોડ થઇ છે, સરકારે રૂા.31000 કરોડના રિફંડ ચૂકવ્યા છે.
સરકારને એડવાન્સ ટેકસનો જે પ્રથમ હપ્તો પ્રાપ્ત થઇ રહ્યો છે તેનાં પરથી આ અનુમાન લગાવવામાં આવ્યું છે. ગત મહિને જીએસટી કલેકશનનો જે ટ્રેન્ડ રહ્યો તેનાથી આ અનુમાન વિરોધાભાસી છે એ ખરૂં.
આ વર્ષનાં 11 જૂન સુધીમાં સરકારને ડાઇરેકટ ટેકસની આવક 162000 કરોડ થઇ છે. 31000 કરોડના રિફંડ ચૂકવ્યા છે. ગત વર્ષે ટેકસ કલેકશનનો આ આંકડો રૂા.87700 કરોડ રહ્યો હતો. ટેકસ કલેકશનમાં 85 ટકાની વૃધ્ધિ દેખાઇ રહી છે. 2019/20ની સરખામણીએ આ કલેકશન 33 ટકા વધારે છે. ડાયરેકટ ટેકસ કલેકશનમાં ઇન્કમ ટેકસ તથા કોર્પોરેટ ટેકસનો સમાવેશ થાય છે.
કેટલાંક અધિકારીઓ માને છે કે, વિવાદ સે વિશ્વાસ સ્કીમને કારણે આમ બન્યું છે. કેટલાંક અધિકારીઓ કહે છે : રિફંડ ઓછાં અપાયા છે, જીએસટી પર સરકારે દરોડા મારફત વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેના કારણે આમ બન્યું છે.
15 જૂન સુધીમાં ડાઇરેકટ ટેકસનું ગ્રોસ કલેકશન રૂા.193000 કરોડ થયું છે જે ગત વર્ષ કરતાં 54 ટકા વધુ છે. જો કે ગત વર્ષની સરખામણીએ સરકારે 17 ટકા ઓછાં રિફંડ આપ્યા છે. મુંબઇની વાત કરીએ તો, ગત વર્ષે 15 જૂન સુધીમાં 27000 કરોડનું કલેકશન હતું તે વધીને રૂા.48000 કરોડ થયું છે. દિલ્હીમાં ગત વર્ષે 12000 કરોડનો આંકડો હતો તે આ વર્ષે વધીને 20000 કરોડ રૂા. થયો છે.
ચેન્નઇમાં 120 ટકાનો, પૂનામાં 150 ટકાનો આવક વધારો નોંધાયો છે.