ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ તા. 10ના સવારે 8 થી 12 સુધી ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના તમામ વેપારીઓ, ઉદ્યોગકારો, ખાનગી શાળાઓ વગેરેને પણ જોડાણા હતાં. જામનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત સહિત દેશભરમાં મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થયો છે. ઘઉંનો લોટ, મધ, ગોળ, દૂધ, દહીં, પેકિંગમાં મળતું અનાજ વગેરે પર જીએસટીના કારણે ભાવમાં વધારો થવાથી અને પેટ્રોલ-ડિઝલ, રાંધણ ગેસના ભાવ વધારાના કારણે પ્રજાજનો પર મોંઘવારીનો બોઝ વધી રહ્યો છે. જેને કારણે પ્રજાજનો હાડમારીનો સામનો કરી રહ્યાં છે. તેમજ દેશમાં ગ્રામિણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિનિદિન વધારો થઇ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી અસહ્ય મોંઘવારી, બેરોજગારી અને પ્રજાવિરોધી ભાજપ નીતિઓ સામે આંદોલન કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે મોંઘવારી પર હલ્લાબોલ કાર્યક્રમો પણ કર્યા હતાં.
ગુજરાતમાં વધતી મોંઘવારી, બેરોજગારીના ત્રાસથી ગુજરાતની જનતા ત્રાહિમામ હોય, ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગરના વેપારીઓ, નાના-મોટા ઉદ્યોગકારો, ખાનગી શાળાઓ તથા જામનગરની જનતાને આવતીકાલે સવારે 8 થી 12 ધંધો-રોજગાર બંધ રાખી બંધને સફળ બનાવવા તેમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા દ્વારા વેપારીઓને બંધમાં જોડાવા અપીલ
આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનમાં જામજોધપુરના વેપારીઓને પણ જોડાઇ અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખવા જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.