હાઇકોર્ટમાં કોરોના મામલે થયેલી સુઓમોટોની સુનાવણી આગળ ચાલી હતી. હાઇ કોર્ટે પોતાના અવલોક્નમાં જણાવ્યું હતું કે વેક્સિનેશન અને અન્ય સુવિધાઓ બાબતે અમે આદેશ નહીં સૂચના આપી હતી પરંતુ તેમણે વ્યવસ્થા કરવી જોઈએ. આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. દરેકને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાવાની સરકારની જવાબદારી છે. એનું પાલન થવું જોઈએ માત્ર આક્ષેપ બાજી ન થવી જોઈએ. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકોએ વેક્સિન લીધી હોવાનું જણાવ્યું છે.
જોકે અરજદારે રજૂઆત કરી છે કે હજી વેક્સિનેશન જ્યાં થવું જોઈએ ત્યાં થયું નથી. કોર્ટે ટકોર કરી હતી ત્યાર બાદ પણ નથી થયું. મ્યુકરમાઇકોસિસની સારવાર પણ પૂરતી મળતી નથી. એડવોકેટ પર્સી કવિનાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે વેક્સિનેશનની કોઈ પાકી પોલિસી નથી, ક્યારેક 8 સપ્તાહ ક્યારેક 12 સપ્તાહે વેક્સિન લેવાની.
એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો, પ્રેગનેન્ટ મહિલાઓને હોસ્પિટલમાં સારવાર માટેની કોઈ અલગ વ્યવસ્થા નથી. તેમને એટેન્ડેન્ટ જોઈએ છે. તેની સામે હાઇ કોર્ટે કહ્યું કે અમે તમારી તમામ બાબતોને ગંભીરતાથી લઈએ છીએ એનો ઉકેલ ઝડપી નહીં આવે. પરંતુ તેના માટે અમે ટકોર કરીશું. હાલ ત્રીજા વેવની ચિંતા કરવી જોઈએ.
રાજ્ય સરકારે રજૂ કરેલાં સોગંદનામામાં વધુમાં જણાવ્યું હતું કે 1 એપ્રિલથી 13 જૂન સુધીમાં કેન્દ્ર સરકારે રાજ્યને કુલ 54,411 મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન આપ્યાં હતા જે પેકી 37,494 ઇન્જેક્શનની વહેંચણી કરી છે જ્યારે સરકાર પાસે 16,917 ઇન્જેક્શનનો સ્ટોક હોવાની રજૂઆત કરી છે. સરકારે દલીલ કરી કે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન લિપ્સોનલ એમ્ફોટેરિસિનનું વિતરણ હજુ કેન્દ્ર સસ્કાર હસ્તક છે પરંતુ હાલ કેસ વધુ નહીં હોવાથી કોઈ અભાવ નથી.