કલ્યાણપુર તાલુકાના ચુર ગામે ગઈકાલે એક શિયાળ દ્વારા શ્રમિક પરિવારના માસુમ બાળક પર હુમલો કરી, ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી.
આ અંગેની વિગત મુજબ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચુર ગામે આવેલા એક વાડી વિસ્તારમાં રહી અને મજૂરી કામ કરતાં એક શ્રમિક પરિવારનો કિશન સરમા હજનાથ નામના આશરે બે વર્ષનો બાળક રમી રહ્યો હતો ત્યારે એકાએક ધસી આવેલા એક જંગલી શિયાળે આ બાળક પર મોઢાના ભાગે હુમલો કરતા તેને લોહી લુહાણ હાલતમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવારથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગરીબ શ્રમિક પરિવારના દંપતીનો માસુમ બાળક પર શિયાળના હુમલાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સ્થાનિકો દ્વારા આર્થિક મદદ કરીને જામનગર પહોંચાડવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક પરિવારના માસુમ બાળકને શિયાળે ગંભીર ઈજા પહોંચાડતા આ પરિવારજનોમાં ચિંતા સાથે ભયની લાગણી પ્રસરી જવા પામી હતી.