જામનગર સહિત રાજયભરમાં મહાનગરપાલિકાઓની ફૂડશાખા તથા રાજય સરકારની ફૂડ એન્ડ ડ્રગ શાખાઓ શું કામગીરી કરે છે? તે પ્રશ્ર્ન લોકોને કાયમ સતાવે છે. કારણ કે, લોકોના પેટ સુધી પહોંચતા અને લોકોના આરોગ્ય સામે જોખમ સર્જતા ખાદ્યપદાર્થોના ચેકીંગ અંગે જામનગર સહિત ગુજરાતમાં સ્થિતિ બહુ સારી નથી. અત્રે એ પણ નોંધનીય છે કે, ખાદ્યપદાર્થોના ઉત્પાદકો અને વિક્રેતાઓ ધૂમ કમાણી કરી રહ્યા છે.
7મી જૂનના ફુડ સેફ્ટી ડે પૂર્વે રાજ્યમાં ખાદ્ય પદાર્થની ગુણવત્તાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. મસાલા હોય કે સિરપ, આઇસક્રીમ હોય કે અનાજ તમામના લેવામાં આવી રહેલા સેમ્પલ ફેલ થવાનો ધારો ગુજરાતમાં સાત ટકા જ હોવાનું જણાય રહ્યું છે. જ્યારે લારી પર મળતા સ્ટ્રીટ ફુડનું લાઈસન્સ આપવામાં તંત્ર બિલકુલ લાપરવાહ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
ચટાકેદાર, મસાલેદાર, તીખી અને તમતમટી વેજ-નોનવેજ વાનગીઓ ખાવાના શોખીન ગુજરાતીઓ ફૂડ અવેરનેસને લઇ બિલકુલ લાપરવાહ છે. તો, ફૂડ પ્રોડક્ટના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓ, રેસ્ટોરન્ટ, હોટલ કે ફૂડ કોર્ટના ધંધાર્થીઓ ફૂડ સેફ્ટી એક્ટને લઇ હજી ગંભીર થયા નથી. માત્ર લાઇસન્સ લઇ ધંધો શરૂ કરી દેનારાઓ તરફથી પેકેજ્ડ ફૂડ, રેડી ટુ ઇટ કે પછી હોટલો અને લારી ઉપર નજર સમક્ષ બનતી વાનગીઓ સ્વાસ્થ્ય માટે કેટલી સુરક્ષિત છે. તેને લઇ મોટાભાગના લોકો બેફિકર છે.
ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જેટલા પ્રકારના ફૂડ એટલા પ્રકારના લાઇસન્સ જરૂરી છે. આમ છતાં સુરત મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેમ્પલને ત્રણ ભાગમાં વહેંચી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. મિસ બ્રાન્ડ, સબ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ અને અનસેફ બ્રાન્ડ અંતર્ગત નમૂના લઇ તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ પૈકી મિસ બ્રાન્ડ અને સબ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ જણાય આવે તો અનુક્રમે રૂપિયા બે લાખથી લઇ પાંચ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તો અનસેફ બ્રાન્ડના કેસ અને કિસ્સામાં મ્યુ. કોર્ટમાં કાનૂની ખટલો માંડવામાં આવી રહ્યો છે.
વિશ્વભરમાં ફૂડ વેસ્ટનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે. તેને કંટ્રોલ કરવા યુનાઇટેડ નેશન એ ગત 2020થી ફૂડ સેફ્ટી ડેની ઉજવણી શરૂ કરી છે. ઉજવણી પાછળનો મુખ્ય હેતુ વ્યક્તિએ કેવું ખાધું ? અને કેટલું ખાધું ? તેના કરતાં શું ખાધું ? તે વધુ અગત્યનું અને જરૂરી બન્યું છે. આ દિશામાં લોકજાગૃતિ આવે. ખોરાકનો બગાડ અટકે આ બાબતે લઇ લોકો સચેત બને, તે હેતુસર ફૂડ સેફ્ટી દિવસની ઉજવણી કરવામાં આવી છે.