દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચોખંડા ગામમાં રહેતો યુવાન તેની અર્ટીગા કારમાં જામનગર નજીક આવેલી ઠેબા ચોકડી પાસેથી પસાર થતા હતા તે દરમિયાન પૂરપાટ બેફીકરાઇથી આવી રહેલા ડમ્પરે કારને ઠોકર મારતા અકસ્માતમાં ચાર જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચોખંડા ગામમાં રહેતો પરિવાર તેની જીજે-37-એમ-5874 નંબરની અર્ટીગા કારમાં જામનગર નજીક આવેલા ઠેબા ચોકડી પાસેના રોડ પરથી રવિવારે સવારના સમયે પસાર થતો હતો તે દરમિયાન પૂરપાટ બેફીકરાઇથી આવી રહેલા જીજે-18-એયુ-8965 નંબરના ડમ્પરચાલકે અર્ટીગા કારને ખાલી સાઈડમાંથી ઠોકર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર રૂકશાનાબેન, નઝમાબેન, જીન્નતબેન, જુબેદાબેન નામના ચાર મહિલાઓ તથા અલીફ આશીફભાઈ નામના બાળક સહિત કુલ પાંચ વ્યક્તિઓને શરીરે તથા માથામાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્તોમાં જીન્નતબેનની હાલત નાજુક હોવાનું હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું. બનાવની જાણના આધારે હેકો બી એચ લાંબરીયા તથા સ્ટાફે મહેબુબભાઈના નિવેદનના આધારે ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


