પેટ્રોલ અને ડીઝલની બેકાબૂ કિંમતોથી લોકો પરેશાન છે, ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને ફરી એક વખત ‘ધર્મસંકટ રાગ’ આલાપ્યો છે.
ઈંધણના ભાવો ભડકે બળી રહ્યા છે, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડાના સવાલ પર ફરી એક વખત કહ્યું હતું કે તેઓ દેશના લોકોની જરૂરતને સમજે છે, પરંતુ આ મામલામાં સરકારની સામે ‘ધર્મસંકટ’ની સ્થિતિ છે. તેમણે એમ પણ કહ્યું કે એવા નક્કર સંકેતો સાંપડી રહ્યા છે, જેનાથી એ બાબત સ્પષ્ટ બને છે કે અર્થવ્યવસ્થા સુધરી રહી છે.
નાણામંત્રી જે ધર્મસકંટની વાત કરી રહ્યાં છે, તે હકીકતમાં એ છે કે તેલની કિંમતો બજારને હવાલે છે એટલે કે તેની કિંમતો હવે તેલકંપનીઓ નક્કી કરે છે. બીજીતરફ, કોરોનાકાળમાં આવકમાં ઘટાડાને જોતાં કેન્દ્ર સરકાર માટે ટેક્સમાં ઘટાડો કરવો મુશ્કેલ કામ છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટો હિસ્સો કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સનો હોય છે. દિલ્હીમાં 91 રૂપિયાની આસપાસ જે પેટ્રોલ વેચાઈ રહ્યું છે તેના પર આશરે 54 રૂપિયાનો ટેક્સ લાગી રહ્યો છે. આ જ કારણે ઈંધણ પર ટેક્સ ઘટાડવાની માંગ થઈ રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર ટેકસ ઘટાડવા તૈયાર નથી.
ઇંધણોનાં ભાવઘટાડા મુદ્દે ધર્મસંકટનો રાગ આલાપતાં નાણાંમંત્રી
ભાવો વધારવા ટાણે ‘આવક’ પર નજરો હતી