ભારતમાં કોરોનાના કારણે સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવ્યૂ હતું. કોરોનાના કેસોમાં ઘટાડો થતાં ધીમે ધીમે સરકાર દ્વારા વિવિધ પ્રવૃતિઓ માટે છૂટ આપવામાં આવી હતી. લોકડાઉનના કારણે જી.એસ.ટી. હેઠળ કરવાની થતી વિવિધ કામગીરી અંગે સરકાર દ્વારા મુદતમાં વધારો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા “સુઓ મોટો” (સુઓ મોટો રિટ પિટિશન નંબર 03/2020) દ્વારા કોરોનાની ખાસ સ્થિતિને ધ્યાને લઈ લોકોને પડેલી મુશ્કેલી સબબ વિવિધ કાર્યવાહી કરવાની મુદતમાં અરજકર્તાઓને રાહત આપવામાં આવી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ રાહતો એ જી.એસ.ટી. હેઠળ કરવાની વિવિધ કાર્યવાહીઓ માટે લાગુ પડે તે અંગે કરદાતાઓમાં અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી હતી. આ અંગે ખુલાસો કરતો મહત્વનો પરિપત્ર સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ (CBIC) દ્વારા તારીખ 20 જુલાઇ 2021 ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.
આ પરિપત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદોએ ન્યાયિક અને અર્ધ ન્યાયિક (Judicial & Quasi-Judicial) બાબતો માટે લાગુ પડે. કોઈ વ્યક્તિ દ્વારા કરવાના થતી પિટિશન, અરજીઓ, દાવા, અપીલ જેવી કામગીરી માટે આ ચુકાદાથી મુદત વધારવામાં આવી છે. આમ, જી.એસ.ટી. હેઠળ કરવાની થતી અપીલ અંગેની કાર્યવાહીમાં સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો લાગુ પડે અને આ ચુકાદા મુજબ વધારેલા સામનો લાભ કરદાતાઓને મળે. પરંતુ આ સર્ક્યુલર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જી.એસ.ટી. હેઠળની આકારણી, અપીલ વગેરે જે ચાલુ હોય તેને અટકાવવાનો કોઈ પ્રશ્ન બનતો નથી અને આ કાર્યાવહી સમયાંતર આપવામાં આવેલ દિશાનિર્દેશો ઉપરથી ઓનલાઈન કે ઓફલાઇન પૂરી કરવાની રહે. જી.એસ.ટી. હેઠળ રિટર્નની સ્કૃટીની, સમન્સ આપવાની કાર્યવાહી, તપાસ કામગીરી વગેરે આ ચુકાદાના લીધે અટકાવી શકાય નહીં. આ સર્ક્યુલર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કરદાતાને આપવાની થતી શો કોઝ નોટિસ સામે જવાબ આપવાની સમય મર્યાદા ભલે “ક્વાસી જ્યુડિશિયલ પ્રોસિડિંગ” ગણાય પણ સુપ્રીમ કોર્ટનો સમય મર્યાદા અંગેનો ચુકાદો આ કાર્યવાહીને બંધન કર્તા બને નહીં કારણે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો માત્ર પિટિશન, દાવા, અરજીઓ માટે જ લાગુ પડે છે.
આ પરિપત્રમાં રિટર્ન ભરવા જેવી વૈધાનિક બાબતો માટે સ્પસ્થ કરવામાં આવ્યું છે કે આ તમામ પ્રક્રિયાઓ જી.એસ.ટી. હેઠળ આપવામાં આવેલ મુદતોને આધીન રહેશે અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આ તમામ વૈધાનિક બાબતો માટે લાગુ પડે નહીં. ક્વાસી જ્યુડીશિયલ કામગીરી જેવી કે રિવોકેશન અંગેના નિર્ણયો, આકારણીના આદેશ, રિફંડ પસાર કરવાના આદેશ, ડિમાન્ડ રિકવરી વગેરે જેવી કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રાખવામા આવે. જો કે જી.એસ.ટી. હેઠળના કોઈ પણ આદેશ સામે અપીલ કરવાની મુદતમાં, AAR સામેની અપીલની મુદતમાં સુપ્રીમ કોર્ટના એશ મુજબ વધારાની મુદતનો લાભ કરદાતાને મલેશે.
આ પરિપત્રમાં CBIC દ્વારા કયદાકીય અભિપ્રાય લઈ તેવું સ્પષ્ટ કર્યું છે કે જી.એસ.ટી. હેઠળ અપીલ, રિવિઝન, રેકટિફિકેષ્ણ જેવી અપીલની કાર્યવાહીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ મુદત વધારાનો લાભ મળશે પરંતુ જી.એસ.ટી. હેઠળ કરવાની થતી અન્ય વૈધાનિક કામગીરી માટે આ ચુકાદાનો લાભ મળશે નહીં.
(ભવ્ય પોપટ, લીગલ ડેસ્ક – ખબર ગુજરાત)