ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના નિરજ ચોપડાએ ગોલ્ડ મેડલ અને અન્ય ખેલાડીઓએ કુલ 7 મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે પરંતુ સ્થાનિકકક્ષાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને છેલ્લા 42 વર્ષથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો નથી. જુદી જુદી 32થી વધુ રમતો પૈકી માંડ પાંચ-સાત રમતો યુનિવર્સિટી કેમ્પસમાં રમાડવામાં આવે છે. છેલ્લા ત્રણેક વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 35 કરોડથી વધુનું આંધણ કરાયું પરંતુ અહીં 32 પૈકી એકપણ રમતના કાયમી કોચ ઉપલબ્ધ નથી.
રમત-ગમત પ્રત્યે યુનિવર્સિટીના સત્તાધીશોનું ઉદાસીન વલણ અને કોચના અભાવે સૌરાષ્ટ્રના એકપણ ખેલાડીને છેલ્લા 42 વર્ષથી આંતર યુનિવર્સિટી રમત-ગમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો નથી. દર વર્ષે આંતર યુનિવર્સિટી જુદી જુદી રમતો રમવા પણ ખેલાડીઓ કોચ વિના કે કોલેજના પીટીઆઈ સાથે જાય છે.
યુનિવર્સિટીમાં હજુ સુધી એકપણ કાયમી અને કાબિલ કોચ ઉપલબ્ધ નથી જેના કારણે ખેલાડીઓને પૂરતું માર્ગદર્શન મળી રહ્યું નહીં હોવાને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગોલ્ડ મેડલથી આટલા વર્ષોથી વંચિત રહી છે. યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો ખેલાડીઓ કરતા ખૂદ યુનિવર્સિટીના જ કર્મચારીઓ, અધ્યાપકો, સત્તાધીશો મનોરંજન માટે ઉપયોગ કરી રહ્યા છે.
આજથી આશરે 42 વર્ષ પહેલા વર્ષ 1979માં યુનિવર્સિટી વતી આયુષ્ય ગોંધિયા નામના વિદ્યાર્થીએ ભાલાફેંક સ્પર્ધામાં આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આ ગોલ્ડ મેડલ પહેલો અને છેલ્લો સાબિત થયો છે કારણ કે ત્યારપછી આજ સુધી યુનિવર્સિટીને એકપણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો નથી. આ ઉપરાંત પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરાના કાર્યકાળ દરમિયાન કોડીનારની મહિલા વોલીબોલની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જયારે ક્રિકેટમાં પણ ભાઈઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત યોગા સ્પર્ધામાં પણ એક વિદ્યાર્થિનીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોટાભાગના મેદાનોમાં જાળવણીના અભાવે ઘાસ ઉગી નીકળ્યા છે. ક્રિકેટ, ફૂટબોલ સહિતના જુદા જુદા મેદાનોમાં હાલ ખેલાડીઓ રમત રમી શકે તેવી હાલતમાં મેદાનો નથી.યુનિવર્સિટીએ કરોડોના ખર્ચે રમત-ગમતના મેદાનો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તો બનાવી દીધા પરંતુ જાળવણીના અભાવે મેદાનો પડતર છે, જિમ્નેશિયમના સાધનો પડતર હાલતમાં છે, મોટાભાગના ખરાબ થઇ ગયા છે, જિમ્નેશિયમના લાખોના ગાદલા સડી ગયા છે. ટેનિસની નેટ ફાટી ગઈ છે.