કોરોનાનાં ભયંકર કાળમાં દેશમાં ખોરવાયેલી સ્વાસ્થ્ય વ્યવસ્થામાં જેવી રીતે ઓક્સિજન અને જીવનરક્ષક દવાઓની બુમરાણ મચી હતી તેવી જ રીતે હવે દેશમાં જ્યારે રસીકરણને યુદ્ધનાં ધોરણે ઉપાડવાની આવશ્યકતા છે ત્યારે રસીની ભારે અછત કનડી રહી છે. જો કે સરકાર હવે દાવો કરે છે કે રસીની આ તંગી ખૂબ જલ્દી દૂર થઈ જશે. આગામી સપ્તાહથી દેશમાં રશિયામાં બનેલી સ્પુતનિક-વી રસી બજારમાં મળતી થઈ જશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં દેશમાં જ 216 કરોડ રસીનાં ડોઝ ઉત્પાદિત કરવાનું એલાન કર્યુ છે.
નીતિ આયોગની સ્વાસ્થ્ય સમિતિનાં સદસ્ય ડો.વી.કે.પોલનાં કહેવા અનુસાર ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન કુલ મળીને 216 કરોડ રસીનાં ડોઝ તૈયાર કરવામાં આવશે. આ રસી સંપૂર્ણપણે ભારતમાં અને ભારતીયો માટે જ બનશે. માટે કોઈ સંશય રહેવો ન જોઈએ કે આવનારા સમયમાં તમામને રસીકરણમાં આવરી લેવામાં આવશે. નીતિ આયોગનાં સદસ્યે જણાવ્યા અનુસાર એફડીએ અને ડબલ્યુએચઓ તરફથી મંજૂર કરવામાં આવેલી કોઈપણ દવાને પણ ભારતમાં અનુમતિ આપી શકાય છે. આ દવાઓની આયાત માટે લાયસન્સ પણ એકથી બે દિવસમાં જ આપી દેવામાં આવશે. અત્યારે સરકાર પાસે આયાત માટેનાં લાયસન્સનું કોઈ જ આવેદન પણ પડતર નથી. આપણે વિદેશી સંસ્થાઓને પણ ભારતીય કંપનીઓ સાથે મળીને કામ કરવાં આમંત્રિત કરેલી છે. જોનસન એન્ડ જોનસને સારુ કામ કર્યુ છે. તેનું કહેવું છે કે, ભારતમાં તે પોતાની રીતે કામ કરે છે અને ભારતમાં આ વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જ તેની રસી ઉપલબ્ધ થઈ જશે. તે પણ ભારતમાં રસીની ઉપલબ્ધતા વધારવા કામ કરશે તેવી આશા છે.
ભારતમાં વિદેશી રસીને મંજૂરીનાં સવાલનો જવાબ આપતાં જણાવવામાં આવ્યું હતું કે, ફાયઝર, મોડર્ના, જોનસન એન્ડ જોનસન જેવી કંપનીઓ શરૂઆતથી જ સંપર્કમાં છે. તેમને જણાવી દેવામાં આવેલું છે કે, જો તે ભારતમાં રસી મોકલવા કે ઉત્પાદિત કરવાં માગશે તો તેમને તમામ મદદ અપાશે.
કોરોનાની વેક્સિન કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે માન્ય ગાળો હવે વધારીને 1રથી 16 સપ્તાહ કરવામાં આવ્યો છે. સરકારી સમિતિએ વેક્સિન ડોઝ વચ્ચેનું અંતર વધારવા ભલામણ કરી હતી જેને સરકારે મંજૂરી આપી છે. કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે ગાળો વધુ રાખવાથી તેની અસરકારકતા વધતી હોવાનું અભ્યાસમાં સામે આવ્યાનું મેડિકલ જર્નલ લાન્સેટે ગત ફેબ્રુઆરીમાં જાહેર કર્યું હતું.
કોવિડ મેનેજમેન્ટ પર ઘડવામાં આવેલી સમિતિએ કોરોનાથી સંક્રમિત થઈ સાજા થઈ ચૂક્યા હોય તેવા વ્યક્તિઓને 6 મહિના બાદ કોરોનાની રસી આપવા ભલામણ કરી છે. કોરોના વાયરસ લાગુ થયા બાદ બીમારીથી ઉભરી ચૂકેલા લોકોને એન્ટિબોડીનું રક્ષણ હોય છે એટલે તેઓને ત્વરિત કોરોનાની રસી લગાવવાની જરૂર નથી.
રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહે ભલામણ કરી હતી કે કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારીને 1રથી 16 સપ્તાહ કરવામાં આવે. જો કે અન્ય વેક્સિન કોવેક્સિનના ડોઝ માટે નિર્ધારિત ગાળામાં કોઈ બદલાવ સૂચવવામાં આવ્યો નથી.
એનટીએજીઆઈ અનુસાર ગર્ભવતીઓને તેમની પસંદગીની વેક્સિન લેવાની છૂટ આપી શકાય છે. ગર્ભવતીઓ બાળકને જન્મ આપ્યા બાદ કયારેય પણ રસી મુકાવી શકે છે. સ્તનપાન કરાવતી માતાઓને રસીથી કોઈ નુકસાન નહીં થાય.
દેશમાં જારી કોરોના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ, ડો. બલરામ ભાર્ગવ, આઈસીએમઆર અને નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ હાજર રહ્યા હતા. લવ અગ્રવાલે કહ્યું હતું કે, દેશના 187 જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોનાના કેસમાં ઘટાડો જારી છે.
24 રાજ્યોમાં પોઝિટિવીટી રેટ 15 ટકા સુધી છે. જ્યારે 12 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે. મંત્રાલયે કહ્યું હતું કે, આગામી અઠવાડિયાથી સ્પુતનિક રસીનું વેચાણ ભારતમાં શરૂ થઈ છે. સાથે બે મહિના સુધીમાં ભારતમાં જ સ્પુતનિક વીનું ઉત્પાદન શરૂ થઈ જશે. મંત્રાલયના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે, ભારતમાં હવે રશીયન રસી સ્પુતનિક આગામી અઠવાડિયાથી બજારમાં જોવા મળશે. આગામી બે મહિનામાં એવી યોજના છે કે ભારતીય કંપનીઓ સાથે મળીને રશીયાની કંપની ભારતમાં જ રસીનું ઉત્પાદન કરશે.
દેશનાં પ્રત્યેક નાગરિકને વેક્સિન આપવામાં આવશે
ઓગસ્ટ-ડિસેમ્બર વચ્ચે દેશમાં રસીના 216 કરોડ ડોઝ બનશે: આગામી સપ્તાહથી રશિયન રસી ભારતમાં