સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભામાં ઇથેનોલને લઈને કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો. સરકારે સોમવારે (8 ડિસેમ્બર) ઇથેનોલ અંગેની ચિંતાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, E20 ઇંધણ પર ચાલતા વાહનોમાં કોઈ સમસ્યા આવી નથી. સ્ટાર્ટ કરવામાં પણ કોઈ મુશ્કેલી નથી આવી અને જ્યાં સુધી જૂની ગાડીઓની વાત છે તો તેના પરફોર્મન્સ પર પણ કોઈ અસર નથી પડી.
કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઇથેનોલને લઈને સરકારને પ્રશ્ન કર્યો હતો કે, 31 માર્ચ, 2025 સુધી છેલ્લાં પાંચ વર્ષોમાં પેટ્રોલ અથવા ડીઝલમાં કેટલું ઇથેનોલ મિક્સ કરવામાં આવ્યું, તેની જાણકારી વાર્ષિક હિસાબે આપવામાં આવે. આ સાથે જ પેટ્રોલ અથવા ડીઝલમાં પ્રતિ લિટર કેટલું ઇથેનોલ મિક્સ કરવામાં આવ્યું? ઇથેનોલ મિક્સ કરતા પહેલાં પેટ્રોલ અથવા ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરના હિસાબે કોઈ ફાયદો થયો? શું આનાથી લોકોને કોઈ ફાયદો થયો?
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું કે, EBP પ્રોગ્રામ હેઠળ, ઓઇલ માર્કેટિંગ કંપની BIS સ્ટાન્ડર્ડ અનુસાર, પેટ્રોલ સાથે ઇથેનોલના અલગ-અલગ બ્લેન્ડ વેચે છે. હાલ, ઇથેનોલનું બ્લેન્ડિંગ ફક્ત પેટ્રોલમાં કરવામાં આવે છે. ગત 5 વર્ષ દરમિયાન પેટ્રોલમાં મિક્સ કરવામાં આવેલા ઇથેનોલની માત્રામાં સતત વધારો થયો છે. દર વર્ષે મિશ્રણનો સરેરાશ પુરવઠો સતત વધ્યો છે. ડિસેમ્બર, 2020થી લઈને નવેમ્બર 2021 સુધી EBP હેઠળ 302.30 કરોડ લિટર તેલમાં 8.10 ટકા ઇથેનોલ મિક્સ કરવામાં આવ્યું. ત્યાર બાદ 2021-22માં આ દર વધીને 10.02% સુધી પહોંચી ગયો. 2022-23માં તેનો દર વધીને 12.06% (11 મહિનામાં) થઈ ગયો. 2023-24માં 707.40 કરોડ લિટર પેટ્રોલમાં આ વૃદ્ધિ 14.60% થઈ ગઈ. જોકે, ચાલું વર્ષમાં નવેમ્બર 2024થી લઈને ઓક્ટોબર 2025 એટલે 11 મહિનામાં આ વધારો 19 ટકાથી વધી ગયો છે.


