મોદી સરકાર ભારતને નજીકના વર્ષોમાં વિશ્વનું અગ્રણી તેમજ પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના દાવા કરી રહી છે, પરંતુ ઈન્ડિયા સ્કિલ્સના એક રિપોર્ટ મુજબ ભારતના 50 ટકા જેટલા ગ્રેજ્યુએટ્સ નોકરી મેળવવા માટે લાયક જ નથી. દેશના માત્ર 45.9 ટકા ગ્રેજ્યુએટ્સ જ નોકરી મેળવવાને લાયક છે. આ રિપોર્ટમાં નોકરીઓ માટે હવે મહિલાઓ પહેલી પસંદ બની રહી હોવાનું જણાવાયું છે.
ઈન્ડિયા સ્કિલ્સ રિપોર્ટની આઠમી આવૃત્તિ મુજબ ભારતના માત્ર 45.9 ટકા ગ્રેજ્યુએટ જ નોકરી મેળવવાને લાયક છે. આ આંકડો છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે. વર્ષ 2019-20માં 46.21 ટકા અને 2018-19માં 47.38 ટકા ગ્રેજ્યુએટ્સ નોકરી માટે લાયક હતા. આ વખતે ચારથી ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વ્હીબોક્સ અને ટેગ્ડ નામની ખાનગી કંપનીઓએ સીઆઈઆઈ અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ તથા ભારતમાં ટેકનિકલ શિક્ષણની નિયામક સંસ્થા એઆઈસીટીઈ સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો હતો.
રિપોર્ટ મુજબ 2021માં બેન્કિંગ અને નાણાં ક્ષેત્રમાં સૌથી વધુ લોકોને નોકરી મળવાની સંભાવના છે. ત્યાર પછી સ્વાસ્થ્ય ક્ષેત્ર, ઓટો, રિટેલ, લોજિસ્ટિક્સ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો છે. દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ નોકરીઓ મળશે જ્યારે બીજા ક્રમે કર્ણાટક અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યો કરતાં વધુ નોકરીઓ મળશે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ નોકરી માટે પહેલી પસંદ છે અને પુરુષો કરતાં મહિલાઓ નોકરી મેળવવા માટે વધુ લાયક છે. જોકે, કંપનીઓને લોકોની ભરતી કરવાના આશય અંગે પૂછવામાં આવતાં તેઓ મહિલાઓની જગ્યાએ પુરુષોની ભરતી કરવાનું વધુ પસંદ કરતી હોવાનું જણાયું છે. 2020માં ’હાયરિંગ ઈન્ટેન્ટ’ની પુરુષો અને મહિલાઓની સરેરાશ 71:29 હતી.
રિપોર્ટમાં જણાવાયું છે કે મહિલાઓ નોકરી માટે પહેલી પસંદ છે, છતાં મહિલાઓની સરખામણીમાં પુરુષોને નોકરીની તકો વધુ મળે છે. ભારતમાં નોકરી કરનારા કર્મચારીઓમાં અંદાજે 64 ટકા પ્રોફેશનલ્સ પુરુષ અને 36 ટકા મહિલાઓ છે. મહિલાઓ સૌથી વધુ 46 ટકા બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટરમાં કામ કરી રહી છે જ્યારે ઓનલાઈન બિઝનેસમાં મહિલાઓની સંખ્યા 39 ટકા છે. પુરુષોની બાબતમાં જોઈએ તો સૌથી વધુ 79 ટકા પુરુષો ઓટોમોટીવ સેક્ટરમાં કામ કરી રહ્યા છે જ્યારે 75 ટકા લોજિસ્ટિક સેક્ટરમાં અને 72 ટકા કોર એન્ડ એનર્જી સેક્ટરમાં કામ કરે છે.
આ રિપોર્ટમાં બી.ટેક અને એમબીએ કરનારા યુવાનોને નોકરી મેળવવા માટે સૌથી વધુ લાયક ગણાવાયા છે. 2019માં પહેલા ક્રમ પર એમબીએ હતું અને 2018માં બી.ટેક, બી.ફાર્મ, બી.કોમ અને બી.એ. કરનારા યુવાનોની યોગ્યતામાં વધારો થયો હતો. દેશમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના યુવાનોને અન્ય રાજ્યોની સરખામણીમાં નોકરી માટે વધુ લાયક ગણવામાં આવ્યા છે.