વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે વેપાર કરવો એ સરકારનું કામ નથી અને તેમની સરકાર વ્યૂહરચના ક્ષેત્રે મર્યાદિત સંખ્યામાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો સિવાયના તમામ જાહેરક્ષેત્રના એકમોના ખાનગીકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે સરકારી કંપનીઓ ફક્ત વારસાગત હોવાથી તેમને ચલાવવી જોઈએ નહીં.
વડા પ્રધાને કહ્યું કે નબળા પીએસયુઓને સતત નાણાકીય સહાય પૂરી પાડવાથી અર્થવ્યવસ્થા પર ભારણ પડે છે. જાહેર ક્ષેત્રની કંપનીઓ પર આયોજીત વેબિનારમાં મોદીએ કહ્યું હતું કે, 2021-22ના બજેટમાં ભારત વૃદ્ધિના માર્ગ પર લઈ જવા માટે એક સ્પષ્ટ રોડમેપ મૂક્યો છે. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રના ઘણા ઉપક્રમો ખોટમાં છે, ઘણાને કરદાતાઓના નાણાંથી મદદ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે ધંધો કરવો એ સરકારનું કામ નથી, સરકારે જનકલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સરકાર પાસે આવી ઘણી સંપત્તિ છે જેનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવતો નથી અથવા નિષ્ક્રિય રહે છે, બજારમાં આવી 100 મિલકતો એકત્ર કરીને 2.5 લાખ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે સરકાર મુદ્રીકરણ, આધુનિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કાર્યક્ષમતા ખાનગી ક્ષેત્રમાંથી આવે છે, રોજગાર આપવામાં આવે છે. ખાનગીકરણ, સંપત્તિના મુદ્રીકરણથી જે નાણાં આવશે તે લોકો પર ખર્ચ થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર ચાર વ્યૂહાત્મક ક્ષેત્રો સિવાય તમામ ક્ષેત્રોમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોનું ખાનગીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની કંપનીઓને વ્યૂહાત્મક મહત્વના ચાર ક્ષેત્રોમાં ઓછામાં ઓછા સ્તરે રાખવામાં આવશે. મોદીએ કહ્યું કે તેમની સરકાર 111 લાખ કરોડ રૂપિયાની નવી રાષ્ટ્રીય માળખાકીય યોજનાઓ પાઇપલાઇન (સૂચિ) પર કામ કરી રહી છે.
વડા પ્રધાને કહ્યું હતું કે સચિવોનું સશક્તિકરણ જૂથ રોકાણકારોના પ્રશ્ર્નોના નિરાકરણ માટે કાર્ય કરશે, વિનિવેશની પ્રક્રિયા ઝડપી બનાવશે. તેમણે કહ્યું કે સરકારે વિકાસ પર ધ્યાન આપવાનું છે અને જ્યારે પણ પીએસયુ વેપાર કરે છે ત્યારે નુકસાન થાય છે. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રના ઘણા ઉપક્રમો ખોટમાં છે, ઘણાને કરદાતાઓના નાણાંથી મદદ કરવામાં આવી રહી છે. આ નાણાંનો ઉપયોગ કલ્યાણકારી યોજનાઓમાં થઈ શકે છે.