ભરૂચ કોવિડ હોસ્પિટલ સહિત રાજ્યની અનેક હોસ્પિટલોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી થઇ હતી. જે દરમિયાન ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી અને એનઓસી ન હોય તેવી હોસ્પિટલમાં દર્દીઓને કેમ દાખલ કર્યા? તેવો સવાલ ઉઠાવી જવાબ માગ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે, ફાયર સેફ્ટી મુદ્દે આકરુ વલણ દાખવતા કેટલાક સવાલો એડવોકેટ જનરલને પુછયા હતા. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, હોસ્પિટલ, શાળા, ઈન્ડસ્ટ્રીયલ એકમો પાસે ફાયરબ્રિગેડનું ના વાંધા પ્રમાણપત્ર નથી તો અધિકારીઓ તેમની સામે કેવી કાર્યવાહી કરી ?
ગુજરાત સરકાર તરફે રજૂઆત કરતા એડવોકેટ જનરલે કહ્યુ કે, 2450 હોસ્પિટલ, 3894 શાળા અને 5693 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ પાસે ફાયરબ્રિગેડનું ના વાંધા પ્રમાણપત્ર નથી. ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે, ગુજરાતભરની એવી ઈમારતોની વિગતો રજૂ કરો કે જેમની પાસે ફાયર સેફ્ટીનું એનઓસી ના હોય, બી યુ પરમીશન ના હોય. આવી ઈમારતોના આંકડા નથી જોઈતા, નામ જોઈએ છે જેથી તેમની સામે કાર્યવાહી કરી શકાય.
ગુજરાત હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, હોસ્પિટલ, શાળા, ઈન્ડસ્ટ્રીયલ એકમો પાસે ફાયરબ્રિગેડનું ના વાંધા પ્રમાણપત્ર નથી તો અધિકારીઓ તેમની સામે કેવી કાર્યવાહી કરી ? તેમની જવાબદારી નક્કી કરો. માત્ર છ ઈમારતોને સિલ કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા કરાયેલા નિર્દેશોનું પાલન નથી કરાયુ. હાઈકોર્ટ કોઈ આદેશ કરે તે પહેલા જે તે સતાતંત્રે પણ કેવા પગલા ભર્યા છે તેની વિગતો પણ રજૂ કરવા જણાવ્યુ છે.
બીજી બાજુ અમદાવાદમાં ફાયર એનઓસી મામલે હોસ્પિટલ સિલનો મામલો પણ ગુજરાત હાઇકોર્ટમાં પહોચ્યો છે. ફાયર સેફ્ટીના મુદ્દે સુનાવાણી શરુ થઈ ત્યારે શ્રેય હોસ્પિટલ તરફથી એડવોકેટે એવી દલિલ કરી હતી કે, શ્રેય હોસ્પિટલ સામે કેસ કર્યો છે. તપાસપંચે તપાસ પૂર્ણ કરી છે. ચાર્જશીટ પણ કરી દેવાઈ છે ત્યારે અમારે હોસ્પિટલ શરૂ નથી કરવી પરંતુ હોસ્પિટલમાં રહેલા કિંમતી આરોગ્યલક્ષી ઉપકરણો લઈ જવા માટે હોસ્પિટલનું સિલ ખોલવામાં આવે. ચીફ ફાયર ઓફિસરે હાઇકોર્ટમાં આયર એનઓસી મામલે સોગંદનામું કર્યુ હતુ ત્યારે હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે, જે હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી તેમણે દર્દીને દાખલ કેમ કર્યા ? ત્યારે કોર્પોરેશનના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, એએમસીએ હોસ્પિટલ સામે પગલા લીધા છે. ફાયર એનઓસીવાળી હોસ્પિટલ પાસે બીયુ પરમિશન ન હતી તેમજ રહેણાંક મકાનમાં હોસ્પિટલ ઉભી કરાતા તેને સિલ કરાઇ હતી. જો કે હાઈકોર્ટે કહ્યુ કે, મૃતકના પરિવારને કોઈ સહાય ચૂકવાઈ છે તેવો સવાલ કરીને હાલ આ મામલે કોઈ હુકમ કરવા ઈન્કાર કર્યો હતો.
સુનાવણી દરમિયાન કોરોના કાળમાં રાહત આપવા હોસ્પિટલના વકીલે હાઇકોર્ટ સમક્ષ માગ કરી હતી. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવાયુ હતું કે, કેટલીક હોસ્પિટલને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ છે. જેમાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે અને કેટલીક હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. બધા જ નિયમોનું પાલન કરવુ અનિવાર્ય છે. ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ ઈમારતોની ચકાસણી હાથ ધરવામાં આવી છે અને જ્યાં ફાયર એનઓસી ના હોય તેમને નોટીસ આપવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીમાં ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં 1 મેના રોજ બનેલા મોટા અગ્નિકાંડમાં 18 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ભરૂચ પોલીસે 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરીને આ મામલે ગુનો નોંધ્યો હતો. ફાયર એનઓસી વિશે કાર્યવાહી કરતા જાણવા મળ્યું હતું કે, પટેલ વેલ્ફેર હોસ્પિટલ પાસે ફાયર સેફટી પ્રમાણપત્ર નહોતું.
ફાયર મુદ્દે આકરી કાર્યવાહી ન કરતાં અધિકારીઓની જવાબદારી નકકી કરો: HC
મંગળવારે ફાયર સેફટી મુદ્દે સુઓમોટુ સુનાવણી દરમ્યાન વડી અદાલતનું આકરું વલણ