કોરોનાના ગભરાટે શેરબજારમાં કાળો કેર મચાવ્યો હોય તેમ માત્ર ચાર દિવસમાં રોકાણકારોના 16 લાખ કરોડ ડૂબ્યા છે. વૈશ્વિક કરતાં ભારતીય શેરબજારમાં વધુ ગભરાટ ફેલાયો હતો અને સેન્સેક્સમાં ચાર દિવસમાં 1,493 પોઇન્ટનું ગાબડું પડ્યું છે. શુક્રવારે સેન્સેક્સમાં ત્રણ મહિનાનો સૌથી મોટો 980 પોઇન્ટનો કડાકો બોલાઈ 60,000ની નીચે ગબડીને 59,845.29ની સપાટીએ બંધ રહ્યો હતો, જે 27 ઓક્ટોબર 2022 પછીનું સૌથી નીચલી સ્તર હતું. નિફ્ટી પણ 18,000ની સપાટી તોડીને 320.55 પોઇન્ટ ઘટીને 17,8006.90 રહી હતી. રોકાણકારોનૂ મૂડીમાં શુક્રવારે 8.43 લાખ કરોડનું ધોવાણ થયું હતું અને 272.12 લાખ કરોડ રહ્યું હતું. એફપીઆઇએ શુક્રવારે 707 કરોડની વેચવાલી કરી હતી તો સ્થાનિક સંસ્થાકિય રોકાણકારોની 3,400 કરોડની ખરીદી રહી હોવાના પ્રોવિઝનલ ડેટા મળતા હતા. ડિસેમ્બર મહિનો ભારતીય શેરબજારમાં 2020માં કોવિડ સપાટી પર આવ્યો અને ત્યારબાદ આવેલી રિકવરી પછીનો સૌથી ખરાબ રહ્યો છે. 23 ડિસેમ્બર 2022 સુધીના ગાળામાં આંકમાં 5.2 ટકાનો ઘટાડો જોવાયો છે, જે માર્ચ 2020માં સેન્સેક્સમાં નોંધાયેલા 23.0 ટકાના ઘટાડા પછીનો સૌથી વધુ છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચવાના અહેવાલો વચ્ચે ક્રૂડ 120 ડોલરની સપાટીને કુદાવી ગયું એ જુન 2022ના મહિનામાં આંક 4.6% ઘટ્યો હતો. એના કરતાં પણ વર્તમાન મહિનામાં આંકમાં વધુ ઘટાડો જોવાયો છે. નવેમ્બરના અંતે સેન્સેક્સ 63,303ની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યો હતો. એ સ્તરથી શુક્રવારે નોંધાયેલી નીચલી સપાટીને જોતાં 3,728 પોઇન્ટનું ગાબડું પડ્યું છે. શુક્રવારે સૌથી વધુ તૂટેલા સેક્ટોરલ આંકમાં પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, મિડિયા સૌથી વધુ હતા. આ ઉપરાંત મિડ અને સ્મોલ કેપ શેરોમાં પણ વેચવાલી ફરી વળી હતી અને તેને કારણે સ્મોલ કેપ આંક તો સેન્સેક્સ કરતાં બમણો ચાર ટકા તૂટ્યો હતો. સેન્સેક્સમાં 30માંથી 29 શેરો આગલા બંધની સામે ઘટ્યા હતા. જ્યારે માર્કેટ બ્રેડથ અંત્યત ખરાબ રહીને દરેક આઠ ઘટનાર શેર સામે એક વધનાર શેરનો રેશિયો રહ્યો હતો. સેન્સેક્સમાં તાતા સ્ટીલ સૌથી વધુ પાંચ ટકા ઘટ્યો હતો. તાતા મોટર્સ અને એસબીઆઈ પણ ઘટવામાં મોખરે હતા. એક માત્ર ટાઇટન સ્થિર રહ્યો હતો. નિફ્ટી વીઆઇએક્સ 6.4 ટકા વધીને 16.2ના સ્તરે રહેતાં બજારમાં ચંચળતા અને અસ્થિરતા ઊંચા સ્તરે રહી હોવાના સંકેત આપે છે.