Sunday, December 22, 2024
Homeરાજ્યકોરોના હોસ્પિટલોની આગ પાછળ, ખામીયુકત વેન્ટિલેટર-મેનેજમેન્ટ કસૂરવાર: તપાસરિપોર્ટ

કોરોના હોસ્પિટલોની આગ પાછળ, ખામીયુકત વેન્ટિલેટર-મેનેજમેન્ટ કસૂરવાર: તપાસરિપોર્ટ

- Advertisement -

- Advertisement -

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં વેન્ટીલેટરના કારણે આગ લાગી હતી. જ્યારે અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ માટે હોસ્પિટલનું મેનેજમેન્ટ જવાબદાર છે. તેમ જસ્ટીસ ડી.એ.મહેતા તપાસ પંચના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે.

કોરોના કાળ દરમિયાન રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ ભભૂકી હતી. આગના કારણે છ દર્દીના મૃત્યુ થયા હતાં. આ જ રીતે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના આઠ દર્દીના મૃત્યુ થયા હતાં. હોસ્પિટલોમાં લાગેલી આગ અંગે રાજ્ય સરકારે નિવૃત જસ્ટીસ ડી.એ. મહેતા પંચ રચના કરીને તપાસ સોંપી હતી. આ પંચે કરેલી તપાસનો 216 પાનાનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની આગ અંગે એવું જણાવાયું હતું કે, હોસ્પિટલમાં આગ લાગી તે સમયે નિકાસ (બહાર જવાનો) દરવાજો બ્લોક હતો. હવાજન્ય રોગના દર્દીઓ જ્યાં હોય ત્યાં સ્મોક ટયુબ, ફલટર સ્ટ્રીકનું રોજ મોનીટરીંગ થવું જોઇએ પણ હોસ્પિટલમાં મોનીટરીંગ કરવામાં આવતું ન હતું.

ઉદય શિવાનંદ હોસ્પિટલના 103 નંબરના બેડના વેન્ટીલેટરમાં બ્લાસ્ટ થયો હતો. બાદમાં આગ ઓક્સીજન લાઇનમાં ફેલાઇ હતી. આ હોસ્પિટલમાં ધમણ વેન્ટીલેટર વાપરવામાં આવતા હતાં. તે વેન્ટીલેટરના કારણે આગ લાગી હતી. હોસ્પિટલને વેન્ટીલેટર દાનમાં આપ્યા હોવાથી એ કંપની સામે કાર્યવાહી થઇ શકે નહીં. આ રિપોર્ટમાં હોસ્પિટલના મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યા છે. હોસ્પિટલમાં કામ કરતાં તબીબ અને અન્ય સ્ટાફ સામે કાર્યવાહી કરવા ભલામણ પણ કરાય છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલ અંગે એવું જણાવાયું છે કે, હોસ્પિટલના માલિક ભરત વિજયદાસજી મહંતે સ્વીકાર કર્યો હતો કે, આગની ઘટના માટે અમારો સ્ટાફ ફાયર સાધનો સાથે ટ્રેઇન ન હતો. આ ઉપરાંત આઇસીયુમાં આગ સામે રક્ષણ માટે જ સાધનો લગાવવાના હતા તે લગાવવા આવ્યા ન હતાં. આ હોસ્પિટલમાં 15 વર્ષ જૂની પેશન્ટ મોનિટરીંગ સિસ્ટમ હતી. આ સિસ્ટમ પાંચ વર્ષ બાદ એક્સપાયર થઇ જાય છે. આમ છતાં 15 વર્ષ સુધી સિસ્ટમ કાર્યરત છે. આઇસીયુના બારીના કાચ ક્રુથી ફીટ કરવામાં આવ્યા હતાં તેના કારણે આગ લાગ્યા બાદ ધૂમાડો અંદર જ રહ્યો હતો અને દર્દીઓના મૃત્યુ થયા હતાં આ માટે શ્રેય હોસ્પિટલનું મેનેજમેન્ટ અને ભરત મહંતને જવાબદાર ઠેરવ્યા હતાં.

આ ઉપરાંત પંચ દ્વારા રાજય સરકારના આરોગ્ય, શહેરી વિકાસ, ઉર્જા પેટ્રોકેમિકલ્સ અને સામાન્ય વહીવટ વિભાગને ભલામણ કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં મેડિકલ ક્લીનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટનો અમલ કરવો વધતી વસતિ અને ઝડપી શહેરીકરણના કારણે હયાત ફાયરબ્રિગેડનું વિસ્તરણ કરવાનું હોસ્પિટલ સ્ટાફને સમયાંતરે ફાયર સેફટીની તાલીમ આપી મોકડ્રીલ યોજવી, ફાયર અને ઇમરજન્સી સર્વિસ માટે 24 કલાક પૂરતો સ્ટાફ રાખવો, ગેરકાયદે બાંધકામને મંજૂરી આપવી નહીં તેવી ભલામણ કરી હતી. આ અહેવાલમાં 1949ના ગુજરાત નર્સિંગ રજીસ્ટ્રી એક્ટનું પાલન કરવા અને ફાયર સેફટીના સાધનો સપ્લાય કરતાં ડીલરો કે એજન્સીના સ્ટેટમેન્ટ પર આધાર રાખી એનઓસી કે ફાયર સેફટીના સાધનો માટે મંજૂરી નહીં આપવાનો ઉલ્લેખ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular