દિવાળી જેવા વર્ષનાં સૌથી મોટા તહેવારમાં જ આમજનનું રસોડાનું બજેટ વિખેરાઈ જઈ શકે છે. સૂત્રોનાં કહેવા અનુસાર પેટ્રોલ-ડીઝલમાં આવતાં રોજેરોજ ભાવવધારા વચ્ચે રાંધણગેસનો બાટલો પણ વધુ ધગધગતા ડામ આપી શકે છે.
રાંધણગેસનાં બાટલા પડતર કરતાં ઓછી કિંમતે વેચાઈ રહ્યાં છે અને હવે બાટલા દિઠ નુકસાની 100 રૂપિયા થઈ ગઈ છે. જો કે રાંધણગેસમાં કેટલો ભાવ વધારો થશે તે સરકારની અનુમતિ ઉપર જ નિર્ભર રહેશે. આ પહેલા 6 ઓક્ટોબરે એલપીજીમાં 1પ રૂપિયાનો વધારો થયો હતો. જુલાઈથી 14.2 કિલોનો બાટલો 90 રૂપિયા જેટલો મોંઘો થઈ ગયો છે. સરકાર તરફથી પેટ્રોલિયમ કંપનીઓને પડતરને અનુરૂપ ભાવ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત સરકારે હજી સુધી કોઈ સબસિડીની રકમ પણ ચૂકવી નથી.
કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે તે વાજબી ભાવની રેશનની દુકાનો પર નાના એલપીજી સિલિન્ડરના વેચાણ અને અન્ય નાણાકીય સેવાઓને મંજૂરીની તૈયારી કરી રહ્યું છે. અન્ન સચિવ સુધાંશુ પાંડેની અધ્યક્ષતામાં બુધવારે મળેલી રાજ્ય સરકારો સાથેની એક વર્ચ્યુઅલ બેઠકમાં આ બાબતની ચર્ચાવિચારણા થઈ હતી. બેઠક બાદ અન્ન અને ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે વાજબી ભાવની દુકાનોની નાણાકીય સદ્ધરતા માટે અમુક પગલાં ભરવા પડશે ત્યાં નાના એલપીજી બાટલાના છૂટક વેચાણની યોજના છે. રેશનની દુકાનો તરીકે ઓળખાતી આવી દુકાનો પર નાના ગેસ સિલિન્ડરના વેચાણની દરખાસ્તને તેલ કંપનીઓએ વખાણી છે.
સરકાર વાજબી ભાવના દુકાનદારો-ડીલરોને મુદ્રા લોનની ઓફર લંબાવવાની તૈયારી કરી રહી છે. સાથે જ આવી દુકાનોએ ગ્રાહકોને વિવિધ નાણાકીય સર્વિસ મળી રહે એ માટેની પણ યોજના છે.
બે દિવસના વિરામ બાદ ઈંધણ ભાવમાં બુધવારે ફરી ‘ધીમાં ઝેર’ જેવો વધારો થતાં મોંઘવારીની મારથી મુંઝાયેલા મધ્યમવર્ગમાં જીવનોપયોગી ઈંધણોના ભાવ વધારા સામે છાનો આક્રોશ ફેલાયો છે. સામાન્ય જનનું અર્થતંત્ર ખોરવાઈ જવાની કોઈ ચિંતા જ ન હોય, તેમ સતત ઝિંકાતા વધારા વચ્ચે આવનારા સમયમાં 150 રૂપિયા પ્રતિલિટર પર પહોંચી પેટ્રોલ ભાવ દોઢી સદી કરે, તેવી ભીતિ દર્શાવાઈ છે. સરકારી ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની છૂટક વેચાણ કિંમતોમાં પ્રતિલિટર 35-35 પૈસાનો વધારો ઝિંકયો હતો.
આવતા વર્ષ સુધી બ્રેંટ ક્રુડ ઓઈલની કિંમત વધીને 110 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે, એ જોતાં ભારતમાં પેટ્રોલ ભાવ દોઢી સદી કરે, તેવી ભીતિ વેશ્વિક કંપની ગોલ્ડમેન શાકસ દ્વારા દર્શાવાઈ છે.
ક્રુડ તેલની કિંમતમાં 30 ટકાનો વધારો આવતાં ભારતમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 150 રૂપિયા અને ડિઝલના ભાવ 140 રૂપિયા સુધી જઈ શકે છે. ગોલ્ડમેનના અનુમાન અનુસાર, વૈશ્વિક સ્તર પર ક્રુડની માંગ 9 કરોડ બેરલ પ્રતિદિનને પાર પહોંચી ગઈ છે. એશિયાના મોટાભાગના દેશો કોરોનાના ઘાતક ડેલ્ટા વેરિયેંટમાંથી મુકત થઈ રહ્યા હોવાથી ક્રુડની માંગમાં હજુ વધારો થઈને પ્રતિદિવસ 10 કરોડ બેરલને પાર જશે.