જામનગરમાં ઠંડીની સિઝન જામી રહી છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડી વચ્ચે જામનગર શહેરમાં લાખોટા તળાવ ખાતે પક્ષીઓનો મેળાવડો જામતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, દરવર્ષે શિયાળામાં લાખો પક્ષીઓ જામનગરના મહેમાન બનતા હોય છે. ખાસ કરીને વ્હેલી સવારે લાખોટા તળાવ ખાતે મોર્નિંગ વોક કરવા જતાં લોકો તથા બાળકોમાં આ પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. બાળકોથી લઇ મોટેરાઓ આ પક્ષીઓને ચણ નાખતા હોય છે. ત્યારે વ્હેલી સવારે આ પંખીડાઓના કલરવથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે. આ પક્ષીઓને જોવા બાળકો પણ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. આ ઉપરાંત વિદેશી પંખીડાઓ પણ દરવર્ષે જામનગરના મહેમાન બનતા હોય છે. જેને નિહાળવા પક્ષીપ્રેમીઓ પણ મોટી સંખ્યામાં ઉમટે છે. તેમજ આ અદ્ભૂત પક્ષીઓને કેમેરામાં કંડારતા હોય છે.