જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર નવમાં રહેતાં પ્રૌઢાના ઘરે સવારના સમયે નામચીન શખ્સ સહિતના ત્રણ શખ્સોએ પ્રૌઢાનું મકાન ખાલી કરાવવા અને મકાન ખાલી કરી રૂા. 50 હજારની માંગણી કરી હતી. મકાન ખાલી નહીં કરો તો મારી નાખવાની ધમકી આપી સામાનમાં નુકશાન પહોંચાડયાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી દીવલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર નવમાં રહેતાં યાદવ પાનની સામે આવેલા ચિરાગ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતાં વર્ષાબેન સંજયભાઇ ધકાણ (ઉ.વ.50) નામના સોની પ્રૌઢાના ગત્ તા. 06ના સવારના 10 વાગ્યાના અરસામાં દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન મંગળસિંહ ચૌહાણ, બલભદ્રસિંહ જાડેજા અને અજાણ્યા સહિતના ત્રણેય શખ્સો પ્રૌઢાના ઘરે ગયા હતા. જ્યાં દીવલાએ કહ્યું કે, ‘હું જામનગરનો દીવલો ડોન છું. તારૂં ઘર ખાલી કરવાનું છે.’ તેમ જણાવી ત્રણેય શખ્સોએ પ્રૌઢાને ગાળો કાઢી તેના ઘરમાં રહેલો અરીસો તથા પંખો જમીન પર પછાડી નુકશાન કર્યું હતું. પ્રૌઢાને તેમનું મકાન ખાલી કરવા રૂા. 50 હજારની માંગણી કરી હતી. ત્રણેય શખ્સોએ પ્રૌઢાને મકાન ખાલી નહીં કરે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.
પ્રૌઢાની ફરિયાદના આધારે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ સોમવારે દિવ્યરાજસિંહ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


