મનસુખ હિરેનના કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્રની એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ એ રવિવારે આ ઘટનામાં હત્યા, ગુનાહિત ષડયંત્ર અને પુરાવાનો નાશ કરવાનો કેસ દાખલ કર્યો છે. મનસુખના પત્ની વિમલા હિરેનની ફરિયાદના આધારે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોના મામલે કારના કથિત માલિક અને થાણાના વેપારી મનસુખ હિરેનનો આરંભિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ રવિવારે જાહેર થયો હતો, જે મુજબ તેની લાશ 10 કલાક સુધી પાણીમાં પડી રહી હતી. મનસુખના ચહેરા અને આંખ પર ઈજાના નિશાન છે. પીઠ પર પણ ઈજાના નિશાન મળ્યા છે. ઈજા ક્યારે અને કેવી રીતે થઈ તેનો ઉલ્લેખ નથી.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર મનસુખની લાશ મળી તેના 12થી 13 કલાક પહેલાં જ મનસુખનું મોત થઈ ચૂક્યું હતું. જોકે તેમ છતાં તારીખ અને સમય આપવામાં આવ્યા નથી. મનસુખના વિસેરા કલીના સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વિસ્તૃત રિપોર્ટ આવશે ત્યારે અનેક બાબતો સ્પષ્ટ થશે તેમ જણાય છે. આ રિપોર્ટ આવતા 15 દિવસ જેવો સમય લાગશે. આરંભિક રિપોર્ટમાં ડોક્ટરોએ તેમનું કોઈ મંતવ્ય રજૂ કર્યું નથી. ફોરેન્સિક રિપોર્ટ આવે પછી જ તેઓ મોતનું કારણ કહેશે. એવું કહેવાય છે કે હિરેનના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા પરંતુ તે અંગે સત્તાવાર રીતે પોલીસે કંઈ કહ્યું નથી.
શંકા એટલા માટે વધી છે કે લાશ મળી તે જ દિવસે મુંબઈના ડીસીપીએ કહી દીધું હતું કે મનસુખે આપઘાત કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી સચિન વજે અને મનસુખ ખાસ્સા સમયથી એકબીજાના સંપર્કમાં હતા. વળી, ઘટનાસ્થળે સ્થાનિક પોલીસની પહેલાં સચિન વજે કઈ રીતે પહોંચી ગયા તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે મનસુખના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઈજાની વાત કરવામાં આવી છે. મનસુખે પોતે લખેલા પત્રમાં કહ્યું હતું કે પોલીસ અધિકારીઓ તેમને હેરાન કરી રહ્યા છે અને પોતે ફરિયાદી હોવા છતાં તેની સાથે આરોપી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.