દેશભરમાં હવાનું પ્રદૂષણ લોકોના આરોગ્ય ઉપરાંત આર્થિક બાબતોને તો અસર કરે જ છે, સાથે સાથે દેશની વરસાદી સિસ્ટમને પણ અસર કરે છે.
એન્થ્રોપોઝેનિક એરોસોલ્સ એન્ડ ધ વિકનિંગ ઓફ ધ સાઉથ એશિયન સમર-નામના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વાયુ પ્રદૂષણ દેશને અનિયમિત ચોમાસાની પેટર્ન તરફ ધકેલી રહ્યું છે. પ્રદૂષણને કારણે વરસાદની સિસ્ટમ પર ખુબ જ અસરો થાય છે. જે વિસ્તારોમાં એક વર્ષે જોરદાર વરસાદ પડયો હોય ત્યાં બીજા વર્ષે દુકાળ પણ આવી શકે છે અને જે વિસ્તારમાં દુકાળ હોય ત્યાં બીજા વર્ષે નદીઓમાં પૂર પણ આવી શકે છે. આ પ્રકારની અનિયમિતતા ઓછા વરસાદ કરતાં પણ વધુ ચિંતાજનક છે.
તાજેતરમાં યુનોના ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન કલાઇમેટ ચેઇન્ઝ નામના રિપોર્ટમાંઆ ચિંતા દર્શાવવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના હવામાંના એરોસોલના કારણે ઉનાળુ વરસાદમાં કમી આવી શકે છે. 1951થી માંડીને 2019 સુધીમાં દક્ષિણ પશ્ર્ચિમ વરસાદની સરેરાશ પણ ઘટી છે. આગામી સમયમાં સરેરાશમાં આ ઘટાડો આગળ વધી શકે છે. જેમાં હવામાનનું પ્રદૂષણ મોટું પરિબળ છે. આ મુદ્દો ભારત માટે ચિંતાજનક એટલાં માટે છે કે, પાછલાં 20 વર્ષમાં ભારતમાં હવાનું પ્રદુષણ ખુબ જ વધ્યું છે.
વૈજ્ઞાનિક કહે છે કે, આગામી સમયમાં ભારતમાં દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસામાં વરસાદમાં 10 થી 15 ટકાનો ઘટાડો અને કેટલાંક વિસ્તારોમાં 50 ટકાનો ઘટાડો પણ થઇ શકે છે. હવા પ્રદૂષણ ને કારણે ચોમાસાના પ્રારંભમાં પણ વિલંભ થઇ શકે છે. હવાનું પ્રદૂષણ જમીનની આજુબાજુના વાતાવરણને પૂરતાં પ્રમાણમાં ગરમ થવા દેતાં નથી. આ પ્રદૂષણને કારણે જમીનની ગરમી ધીમી ગતીથી વધે છે.
દેશના જે વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યાં વરસાદની અનિયમિતતા વધુ પ્રમાણમાં જોવા મળશે.આ પ્રદૂષણ સુર્યના કિરણોને પૃથ્વી સુધી ઓછી તિવ્રતાથી પહોંચવા દે છે આ ઉપરાંત વાદળોનું નિર્માણ અને વરસાદની બંધાવાની પ્રક્રિયાને પણ પ્રદૂષણ અસર કરે છે. પૃથ્વી પૂરતાં પ્રમાણમાં ગરમ ન થાય તો સ્વાભિક રીતે જ પાણીનું બાષ્પીભવન પણ ઓછું થઇ જાય જેના કારણે વરસાદની સિસ્ટમ અનિયમિત બની શકે છે.