કોરોનાના કહેર વચ્ચે અખબારો, સમાચાર ચેનલો અને સોશ્યલ મિડિયામાં પાંચ રાજયોની ચૂંટણીમાં ભેગાં થતાં ટોળાંઓ અંગે સરકારોની આકરી અને વ્યાપક ટીકાઓ થઇ રહી હતી. લોકોનો રોષ પારખી જઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બંગાળમાં ચૂંટણી સભાઓ ન કરવાનો નિર્ણય જાહેર કર્યો. તેના પગલે પ્રધાનમંત્રી અને બંગાળના મુખ્યમંત્રી એ પોતાની ચૂંટણી સભાઓ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ બન્ને મહાનુભાવો હજૂ નાના કદમાં ટોળાંઓ ભેગાં તો કરશે જ! ભાજપાએ નાની સભાઓનો નિર્ણય જાહેર કર્યો છે.
કોરોનાની બીજી લહેરથી દેશમાં સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. બંગાળમાં પાંચ તબક્કાની ચૂંટણી થઈ ચૂકી છે અને ત્રણ તબક્કાની ચૂંટણી બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચારમાં કાપ મૂક્યો છે. રાહુલ ગાંધી અને તે પછી મમતા બેનરજી બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાઓ પણ ઘટાડવામાં આવી છે.
કોંગ્રેસના રાહુલ ગાંધીએ તેમની પશ્ચિમ બંગાળની તમામ જાહેરસભાઓ રદ કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ પોતાની રેલીઓમાં કાપ મૂકયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાઓની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. 22 એપ્રિલે માલદા અને મુર્શિદાબાદ તથા 24 એપ્રિલના ભવાનીપુર અને બીરભૂમમાં યોજાનારી પીએમની રેલીઓ હવે 23 એપ્રિલે એક જ દિવસે યોજાશે. આ તમામ રેલીઓ એક જ દિવસે 23 એપ્રિલના યોજવામાં આવશે. એવું પણ જણાવાઈ રહ્યું છે કે પીએમ મોદીની બંગાળમાં આ અંતિમ રેલીઓ હશે જેમાં અન્ય ચરણોમાં મતદાનવાળા સ્થળોને આવરી લેવામાં આવશે.
દરમ્યાન, ચૂંટણીપંચે પણ નવા દિશાનિર્દેશો જારી કર્યા હતા જે અનુસાર હવે મતદાનના 72 કલાક અગાઉ ચૂંટણીપ્રચાર પર રોક લાગી જશે એટલે કે 26 એપ્રિલે યોજનારા મતદાન માટે હવે ચૂંટણીપ્રચાર 23મીએ જ બંધ થઈ જશે. આ પહેલાં પંચે મતદાનના 24 કલાક પહેલાં પ્રચાર પર રોક લગાવી હતી.
મમતાએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને આદેશ આપ્યો છે કે કોઇપણ રેલી અડધા કલાકથી વધારે સમયની ના હોવા જોઇએ. હવે તેઓ માત્ર 26મી એપ્રિલના એક સભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં હજી 22, 26 અને 29 એપ્રિલના રોજ ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. છઠ્ઠા ચરણમાં 43, સાતમા ચરણમાં 36 અને આઠમા ચરણમાં 35 સીટો પર હજી મતદાન બાકી છે.
રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળની તમામ રેલીઓ રદ કરી હતી. આ સિવાય રાહુલ ગાંધીએ તમામ રાજકીય નેતાઓને સલાહ આપી હતી કે આવી સ્થિતિમાં મોટી જનસભાઓ કરવાના પરિણામનો વિચાર કરી લો.