2020નું વર્ષ સૌકોઈને યાદગાર રહી જાય એવું રહ્યું છે. કોરોનાને કારણે દેશ અને દુનિયાનાં અર્થતંત્રને ભારે નુકસાન થયું છે અને ઘણા લોકો બેરોજગાર પણ બન્યા. આમ છતાં ડિસેમ્બર આવતા સુધીમાં સ્થિતિ ઘણી જ બદલાતી જોવા મળી હતી. ભારત સરકારના કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના આંકડા ચકાસતાં જાણવા મળ્યું છે કે નેગેટિવ સેન્ટિમેન્ટ હોવા છતાં પણ ભારતમાં નવી કંપનીઓની શરૂઆત કેલેન્ડર વર્ષ 2019ની સરખામણીએ 2020માં 11% જેટલી વધુ હતી. કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના આંકડા મુજબ, 2019માં 1.28 લાખ નવી કંપનીઓની નોંધણી થઈ હતી. એની સામે 2020 દરમિયાન 1.42 લાખ નવી કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું હતું.
અર્થતંત્રને પ્રોત્સાહિત કરવા માટે સરકારની યોજનાઓને કારણે નવી કંપનીઓ ખૂલવાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત બાદ આ એક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 2020માં જાન્યુઆરીથી મે દરમિયાન 37,010 નવી કંપની બની હતી. મે મહિનામાં સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હતી. એની અસર જૂન મહિનાથી દેખાવાની શરૂ થઈ હતી. જૂનથી ડિસેમ્બર વચ્ચે 1,04,989 નવી કંપની ખૂલી ગઈ હતી. કોરોનાના વર્ષમાં ખાસ કરીને સર્વિસ અને ટેકનોલોજી બેઝ્ડ સર્વિસીઝ સંબંધિત પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે અને આ સેક્ટરમાં જ સૌથી વધુ કંપનીઓ શરૂ થઈ છે. કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના આંકડા મુજબ, માર્ચના અંતે લોકડાઉન લાગ્યું હતું અને ત્યારથી મે મહિનાના અંત સુધી નોંધણી એકદમ ઘટી ગઈ હતી. સરકારે નબળા પડી રહેલા અર્થતંત્રને વેગ આપવા માટે મે મહિનામાં રૂ. 20 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું અને ત્યાર બાદ પોલિસી લેવલે ઘણા રિફોર્મ્સ પણ કરવામાં આવ્યા હતા. પરિણામ સ્વરૂપે જૂનમાં અનલોક શરૂ થયા બાદ નવી કંપનીઓના રજિસ્ટ્રેશનમાં મોટો ઉછાળો આવ્યો હતો. ગત વર્ષે જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓકટોબરમાં દર મહિને 16000થી વધુ નવી કંપનીનાં રજિસ્ટ્રેશન થયાં હતાં. ગુજરાતમાં પણ આ સમયગાળામાં દર મહિનામાં સરેરાશ 850થી વધુ કંપનીઓ નોંધાઈ હતી.