ખંભાળિયા તાલુકાના ડ્રગ્સ કેસના આરોપીને અદાલતએ 3 વર્ષની સજા અને રૂા. 25,000નો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ઓસમાણ ગની મુસા સુંભણીયા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું છૂટક વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી પરથી પોલીસ દ્વારા આ રહેણાંક મકાનમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસને 3.870 કિલોગ્રામ માદક પદાર્થ (ગાંજો) મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 38,700ની કિંમતના ગાંજા સાથે આરોપીની એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ અટકાયત કરી, આ અંગે તપાસનીસ પી.આઈ. પી.બી. ઝાલા દ્વારા નિવેદનો નોંધવા સહિતની કાર્યવાહી બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ કોર્ટના જજ એસ. જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી ઓસમાણ ગની મુસા સુંભણીયાને તકસીરવાન ઠેરવી, ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 25,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.


