ખબર-વિશેષ
સંજય રાવલ
જામનગર વીજતંત્રનું બેડેશ્વર સબ ડિવિઝન અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવે છે. જે પૈકી એક વિશેષતા એ છે કે, આ સબ ડિવિઝનમાં ખૂબ મોટી સંખ્યામાં વીજગ્રાહકો છે અને આ જ સબ ડિવિઝનમાં વીજકાપની, વારંવારની વીજકાપની સમસ્યા પણ ખૂબ જ મોટી અને દાયકાઓ જૂની છે. જેને પરિણામે, આ સબ ડિવિઝનના સેંકડો પ્રમાણિક વીજગ્રાહકો દાયકાઓથી પરેશાન છે. હવે, પ્રમાણિક વીજગ્રાહકો માટે સોનાનો સૂરજ નજીકના ભવિષ્યમાં ઉગશે એવી ગતિવિધિઓ સપાટી પર જોવા મળી રહી છે.
આ સબડિવિઝનમાં બેડી-બેડેશ્વર, સરૂ સેકશન, એમ.પી. શાહ ઉદ્યોગનગર, ધરારનગર, ગાંધીનગર, મચ્છરનગર, પટેલ કોલોની, પાર્ક કોલોનીથી માંડીને રામેશ્વરનગરનો ગંજાવર વિસ્તાર તેમજ અન્ય સેંકડો વિસ્તારોનો/સોસાયટીનો સમાવેશ થાય છે. જેને કારણે કોઇ એક વિસ્તારમાં સામાન્ય વીજફોલ્ટ સર્જાય તો પણ ઘણાં બધાં વિસ્તારોના પ્રમાણિક વીજગ્રાહકોને ક-ટાણાનો વીજકાપ સહન કરવો પડે છે! આ પ્રકારની વીજકાપની સમસ્યાઓ આ વિસ્તારોમાં રોજિંદી-365 દિવસની બની ગઈ છે! દર અઠવાડિયે મેન્ટેનન્સ અને સાપ્તાહિક વીજકાપ પછીયે વર્ષોથી આ સ્થિતિ છે.
‘ખબર ગુજરાત’ વતી જોઇન્ટ એડીટર સંજય રાવલએ આ કાયમી સમસ્યાના કાયમી હલ માટે વીજતંત્ર પર છેક ઉપરી અધિકારી સુધી ભૂતકાળમાં વ્યકિતગત અને ખાતાકીય ભારે દબાણ લાવ્યા પછી, આજથી દોઢ-બે વર્ષ પહેલાં રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ, જામનગર વીજતંત્રએ સરકારની વીજનીતિ અનુસાર આ વિસ્તારમાં એક વધારાનું 66 કેવી વીજસબસ્ટેશન સ્થાપવા માટેની લીલી ઝંડી આપ્યા પછી, સ્થાનિક તંત્રો કલેકટર કચેરી, વીજતંત્ર, કોર્પોરેશન તથા જેટકો એ સંકલનના માધ્યમથી નવા સબ સ્ટેશન માટેનો ચક્રો ગતિમાન કર્યા હતાં. જે વાત અત્યાર સુધીમાં ઘણી આગળ વધી ચૂકી છે.
આ નવું વીજ સબસ્ટેશન કાર્યરત થયા પછી, ગાંધીનગર થી શરૂ કરીને રામેશ્વરનગરના વિનાયક પાર્ક સહિતના સેંકડો વિસ્તારોના હજારો પ્રમાણિક વીજગ્રાહકોને કાયમી અને આંશિક રાહતો પ્રાપ્ત થશે. જો કે, અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, આ (બેડેશ્વર) સબડિવિઝન હેઠળના મોટાંભાગના વિસ્તારોમાં વીજચોરી પણ પુષ્કળ થાય છે. વીજતંત્રએ પ્રમાણિક વીજ ગ્રાહકોના હિતોની રક્ષા કરવા તથા રાજ્ય સરકારની આવક વધારવા આ પ્રકારની, ઘણાં કિસ્સાઓમાં સામૂહિક પણ, વીજચોરી કડક હાથે ડામી દેવી જોઇએ એ પ્રકારની લોકલાગણી પણ આ તમામ વિસ્તારોમાં પ્રમાણિક વીજગ્રાહકોમાં વારંવાર ઉઠવા પામે છે.
ભૂતકાળમાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ તથા મુખ્યમંત્રી ખુદ આ નવા બનનારા 66 કેવી વીજસબસ્ટેશનનો પોતાના ભાષણોમાં-નિવેદનોમાં ઉલ્લેખ કરી ચૂકયા છે અને એ પણ જામનગર ખાતે, આમ છતાંય આ કામને અંતિમ તબકકા સુધી પહોંચાડવામાં અક્ષમ્ય વિલંબ સર્જાયો છે. જેને પરિણામે હજારો પ્રમાણિક વીજગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ મહત્વાકાંક્ષી યોજનાના સંદર્ભમાં જામનગર શહેર વીજતંત્રના વિભાગ-1 ની કાર્યપાલક ઈજનેરની કચેરી જામનગર મહાનગરપાલિકાને બદનામ કરવાની મનોવૃતિ ધરાવે છે. જગ્યા અને રસ્તા જેવી બાબતો અંગે આ વીજકચેરી વિલંબનો દોષ કોર્પોરેશન પર ઢોળી રહી છે. બીજી બાજું કોર્પોરેશનના મુખ્ય સંબંધિત અધિકારી આ મુદે જણાવે છે કે, આ બાબતે વીજતંત્ર ખોટું બોલે છે. જગ્યા તથા રસ્તા અને કથિત દબાણો મુદ્દે જેએમસી વિરૂધ્ધ થતાં/કરવામાં આવતાં આક્ષેપો પાયાવિહોણાં છે.
આ નવા વીજસબસ્ટેશનના વિલંબ મુદ્દે ‘ખબર ગુજરાત’ દ્વારા જેટકોનો પણ સંપર્ક સાધવામાં આવેલો. આ કચેરી જમીન સંપાદન બાદ આ સ્થળે તમામ ઈન્ફ્રાસ્ટ્રકચર (ટ્રાન્સફોર્મર, કંટ્રોલપેનલ, ટાવર્સ વગેરે) ઘણાં સમયથી ગોઠવી ચૂકી છે પરંતુ ભંગાર અને લબાડ રેલવે તંત્ર સમગ્ર યોજનાને લાંબા સમયથી વિલંબમાં નાંખી રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે. રેલવેતંત્રની જડતા સમગ્ર દેશવાસીઓ જાણે જ છે. ઉપરાંત રેલવેતંત્ર પર સ્થાનિક સ્તરે કોઇનો હોલ્ટ પણ નથી હોતો કેમ કે, આ પ્રકારની યોજનાઓમાં રેલવેતંત્ર જીણું કાંતે છે, નિયમો-કાયદા દેખાડે છે, જડતાનું પ્રદર્શન કરે છે અને વહીવટી શિથિલતાના પણ દર્શન કરાવે છે જેને પરિણામે આવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં આવતાં પૂર્વે વર્ષો નીકળી જતાં હોય છે અને પ્રજા વર્ષો સુધી સમસ્યામાં પિસાતી રહે છે.
જેટકો કચેરી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ યોજનાનો અમુક હિસ્સો રેલવેની જમીનોમાંથી પસાર થઈ રહ્યો હોય રેલવેતંત્ર જડતા દેખાડી વિલંબ સર્જી રહ્યું છે. જો કે, લેટેસ્ટ વિગતો એવી છે કે, રેલવે સંબંધી મોટાંભાગની સમસ્યાઓનું નિરાકરણ આવી ચૂકયું હોય, આગામી ટૂંક સમયમાં રેલવેતંત્ર તરફથી આ કામને લીલીઝંડી મળી જશે. રેલવેમાં જરૂરી ચાર્જીસ પણ ભરી આપવામાં આવશે અને સબ સ્ટેશનનાં સ્થળે ઈન્ફ્રાસ્ટ્રકચર ગોઠવાઈ ગયું હોય હવે માત્ર કનેકશન્સ જોડવાની પ્રક્રિયા જ બાકી છે. બાદમાં, આ સબસ્ટેશન કાર્યરત થઈ જશે.
જામનગરના હજારો પ્રમાણિક વીજગ્રાહકોની સમસ્યાઓ ધ્યાનમાં રાખી આ યોજના અંગે ‘ખબર ગુજરાત’ સતત તંત્રોની પાછળ રહ્યું છે. તંત્રોને દોડવા પ્રેરી રહ્યું છે.