અલિયાબાડાથી રાજકોટ જતાં સમયે જાયવા ગામના પાટીયા પાસે મોટરસાઈકલ ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ બેસેલા અજીતભાઈ નામના યુવાનનું બાઈક પરથી પટકાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, આ કામના આરોપી દેસુરભાઈ પાલાભાઈ યાદવ તથા મૃતક અજીતકુમાર તા.23 જાન્યુઆરીના સવારે બન્ને જીજે-17-સીબી-9951 નંબરનું મોટરસાઈકલ લઇ અલિયાબાડાથી રાજકોટ જઈ રહ્યા હતાં આ દરમિયાન જાયવા ગામના પાટીયા પાસે પહોંચતા મોટરસાઈકલ ચાલકે અચાનક બે્રક મારતા મોટરસાઈકલ સ્લીપ થતા પાછળ બેસેલા અજીતકુમાર મોટરસાઈકલ પરથી નીચે પડી જતાં તેમને શરીરે નાની મોટી ઇજા તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી હોય આ દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વિનોદભાઈ કાંતિભાઈ ડાભી દ્વારા જાણ કરાતા ધ્રોલ એએસઆઈ એમ.પી. મોરી દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


