જામનગર શહેરમાં સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતાં ખેડૂત પ્રૌઢની સાથે ખીમલિયાના શખ્સે પાંચ વીઘા જમીન વેંચી નાખી રજીસ્ટ્રાર કરાર કરાવ્યા બાદ આજ જમીન અન્ય વ્યક્તિને વેંચી નાખી ખેડૂત પ્રૌઢને પતાવી દેવાની ધમકી આપી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની અને હાલ જામનગર શહેરમાં સ્વામિનારાયણનગર શેરી નં.8 માં રહેતાં વેપાર અને ખેતી કરતા શૈલેષભાઈ નળિયાપરા નામના પ્રૌઢે ખીમલિયા ગામના વીરજી રામજી કટેશિયા નામના શખ્સ પાસેથી રે.સ.નં.26 પૈકી 4 જૂના સર્વે નંબર 154 પૈકી 1 પાદરડુ તરીકે ઓળખાતી 0-77-99 હે.આર.ચો.મી.ની પાંચ વીઘા જમીનનો સોદો રૂા.12 લાખમાં કર્યો હતો. આ જમીનના સોદા પેટે તા.12 જુલાઈ 2022 ના રોજ રજીસ્ટ્રાર કચેરીમાં કરાર પણ કરી આપ્યો હતો અને છ માસમાં જમીનની બાકીની રકમ ચૂકતે કરી દસ્તાવેજ બનાવી આપવાની લેખિત બાહેંધરી આપી હતી.
ત્યારબાદ વીરજી કટેશિયાએ આ જમીન તા.09-09-2022 ના રોજ અન્ય વ્યક્તિને વેંચાણ કરી દસ્તાવેજ પણ બનાવી આપ્યો હતો. છેતરપિંડી થયાની જાણ થતા શૈલેષભાઈ વીરજી પાસે જઈ દસ્તાવેજ કરાવીની અથવા તો રકમ પરત આપવાની માંગણી કરતાં ખીમલિયાના વીરજીએ શૈલેષભાઈને પતાવી દેવાની ધમકી આપી છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઈ એમ.એ.મોરી તથા સ્ટાફે શૈલેષભાઈના નિવેદનના આધારે વીરજી વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.