જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ નજીકના ધોરીમાર્ગ પર પૂરઝડપે બેફિકરાઇથી આવતી ઇન્ડીકા કારના ચાલકે બાઇકસવારને ઠોકરે ચડાવી અડફેટે લેતાં યુવાનનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતો સિકંદર મામદભાઇ બુખારી સૈયદબુખારી (ઉ.વ.32) નામનો યુવાન ગત તા. 26 જાન્યુઆરીના સાંજના સમયે તેના જીજે-10 એએચ-1853 નંબરના બાઇક પર ધ્રાફા ગામથી શેઠવડાળા તરફ આવતો હતો ત્યારે યાદવ ફાર્મ પાસે પહોંચ્યો તે સમયે શેઠવડાળા તરફથી પૂરઝડપે આવતી જીજે-05 સીએમ-0321 નંબરની ઇન્ડીકા કારના ચાલકે બાઇકસવારને ઠોકરે ચડાવી હડફેટ લેતાં અકસ્માતમાં સિકંદર બુખારી નામના યુવાનને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાની તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે સદામહુશેન દ્વારા જાણ કરાતાં પીએસઆઇ વાય.આર. જોશી તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.