મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકાઓ એક ટાઉનપ્લાનિંગ સ્કીમ બનાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યની નાની-મોટી નગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસકામો માટે વધારાના નાણાં આયોજિત કરવા સાથે નગર સુખાકારી અને જનસુવિધા વૃદ્ધિના કામો હાથ ધરી શકે તે માટે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યમંત્રી એ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ આયોજિત સિટી લીડર્સ કોન્ક્લેવમાં આ જાહેરાત કરી હતી.
રાજ્યની બ, ક અ ડ વર્ગની નગરપાલિકાઓના પ્રમુખો, સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષો અને ચીફ ઓફિસર્સની આ કોન્ક્લેવમાં નગરોમાં સ્વચ્છતા-સફાઈ, પાણી-વીજળી-ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે થયેલી કામગીરી અને બેસ્ટ પ્રેક્ટિસિસનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ કોન્ક્લેવમાં પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી જનતા જનાર્દનનો વિશ્ર્વાસ સંપાદિત કર્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી નગરપાલિકાઓ પણ વિકાસકામોની તેજ રફતારથી એ ભરોસા-વિશ્ર્વાસને વધુ આગળ ધપાવે તેવું આહવાન તેમણે કર્યું હતું. મુખ્યમંત્રી નગરપાલિકાઓમાં સ્વચ્છતા અભિયાન અને અમૃત મિશન અન્વયે હાથ ધરાયેલી કામગીરીની છણાવટ કરતા ઉમેર્યું કે, હવે સ્વચ્છતા છેક છેવાડાના સ્તર સુધી સૌનો સહજ સ્વભાવ બની ગઈ છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીથી સ્વચ્છતા હવે જનઆંદોલન બની છે, ત્યારે નગરપાલિકાઓ પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સુઘડતા-સફાઈથી નગરો સાફસુથરા રાખે.
ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, નગરપાલિકાઓના વિકાસકામો નાણાના અભાવે અટકે નહીં તેવું સુદ્રઢ નાણા વ્યવસ્થાપન અને નવી વ્યવસ્થાઓ વિકસાવવામાં રાજ્ય સરકાર નગરપાલિકાઓ સાથે છે. તેમણે નગરોમાં રોજબરોજના પ્રશ્ર્નોનું નગરપાલિકા અને રાજ્ય સરકાર સાથે મળીને ત્વરાએ નિરાકરણ લાવવાની પણ આ કોન્ક્લેવમાં હિમાયત કરી હતી. શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમારે સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના સચિવ રાકેશ શંકરે વર્ષ 2022-23 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત થયેલી કામગીરીનો ચિતાર આપતા કહ્યું હતું કે વર્ષ 2022-23 દરમિયાન 1.57 લાખ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી ) એવોર્ડ અંતર્ગત વર્ષ-2022-23માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 7 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે તેમ પણ સચિવએ ઉમેર્યું હતું.
સચિવ રાકેશ શંકરે અફોર્ડબલ હાઉસિંગ અને ઘન કચરાના નિકાલના વ્યવસ્થાપન સંદર્ભે વધુ માહિતી આપી હતી. મ્યુનિસિપાલિટી એડમીનિસ્ટ્રેશનના કમિશનર રાજકુમાર બેનિવાલે રાજયની ’બ’, ’ક’ અને ’ડ’ વર્ગની નગર પાલિકાઓમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા અંગે હાલની પરિસ્થિતિનું વિશ્ર્લેષણ દર્શાવતું પ્રેઝન્ટેશન રજૂ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પરિસંવાદમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનરઓ દ્વારા વિવિધ નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક રીસાયકલિંગ, વેસ્ટ પ્લાસ્ટિક મેનેજમેન્ટ, વેસ્ટ ટુ એનર્જી, વીજળી બચત, વેસ્ટ વોટર મેનેજમેન્ટ તથા સ્પોર્ટ્સ સંકુલ જેવી થયેલ વિકાસલક્ષી કામગીરી તથા નગરપાલિકાઓ સમક્ષ ઉપલબ્ધ તક અને પડકારો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન (અર્બન) ડાયરેક્ટર એસ. કે. પ્રજાપતિએ આભારવિધિ કરી હતી