ખંભાળિયા વિસ્તારમાં આજથી આશરે બે વર્ષ પૂર્વે એક યુવતી પર દુષ્કર્મ ગુજારવા સાથે એટ્રોસિટી એક્ટમાં આરોપીને ખંભાળિયાની અદાલતે આજીવન કારાવાસ તથા દંડની સજા ફટકારી છે.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુભાઈ લગધીરીયા નામના 42 વર્ષના શખ્સ દ્વારા અહીંની 19 વર્ષની એક યુવતીને સ્કૂલની સાફ-સફાઈ કરવા માટે આ યુવતીના પિતાને આવવા દેવા માટે જણાવતા આરોપી શખ્સે પોતાની પુત્રી પણ આવશે તેમ ફરિયાદી યુવતીના પિતાને જણાવતા ગત તારીખ 24 નવેમ્બર 2020 ના રોજ સફાઈ માટે બોલાવી હતી. બાદમાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુએ દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યાર બાદ ભોગ બનનાર યુવતીએ પોતાના ઘરે આવી અને આ સમગ્ર બનાવની જાણ તેણીના માતા-પિતાને કરી હતી. જેના અનુસંધાને પોલીસ મથકમાં યુવતી દ્વારા આરોપી સામે દુષ્કર્મ તથા એટ્રોસિટી એક્ટની વિવિઘ કલમ મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
આ અંગેનો કેસ સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણમાં કુલ 15 સાક્ષીઓની તપાસ તેમજ ફરિયાદી-ભોગબનનાર, મેડિકલ ઓફિસર વિગેરેની જુબાની તથા એફ.એસ.એલ.ના પૃથ્થકરણના અહેવાલો સાથે અહીંના જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુભાઈ લગધીરીયાને તકસીરવાન ઠેરવી જુદા-જુદા ગુનાઓમાં આજીવન કેદ તથા રૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.