મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારતની સોલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતિકરૂપે દાંડી થી દિલ્હી સુધીની 1300 કિલોમીટરની જાવા-યેઝ્દી મોટરસાયકલ રેલીમાં ભાગ લઈ રહેલા એનસીસી કેડેટ્સને ગાંધીનગર થી દિલ્હી જવા પ્રસ્થાન કરાવ્યું હતું. એન સી સી ની સ્થાપનાના 75 મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત, દાદરા-નગર હવેલી, દમણ અને દીવના એનસીસી નિર્દેશાલય દ્વારા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. સાયકલ રેલીના એનસીસી કેડેટ્સ દાંડી પહોંચ્યા હતા, જ્યાં દાંડીથી દિલ્હી સુધીની મોટરસાયકલ રેલીના કેડેટ્સ જોડાયા હતા અને દાંડીમાં એનસીસીના આ યુવાનોએ મીઠું બનાવ્યું હતું. ગુજરાતના ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મટિક્સ-બાયસેગ દ્વારા એનસીસીનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ અગાઉ ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં મીઠું અને સોફ્ટવેર એનસીસી કેડેટ્સને અર્પણ કર્યા હતા. હવે આ સોલ્ટ અને સોફ્ટવેર લઈને 30 કેડેટ્સ મોટરસાયકલ રેલી રૂપે નવી દિલ્હી પહોંચશે અને તારીખ 28મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આ સોલ્ટ અને સોફ્ટવેર અર્પણ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ રેલીને ગાંધીનગરથી દિલ્હી જવા ગુરુવારે સવારે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ની પ્રેરણા અને માર્ગ દર્શન માં આત્મનિર્ભર ભારતે સોલ્ટથી સોફ્ટવેર સુધી સોળે કળા એ વિકાસ કર્યો છે ત્યારે એનસીસીના યુવાનો આ સંદેશા સાથે મોટરસાયકલ રેલી રૂપે જ્યાં-જ્યાં પણ જશે ત્યાંના યુવાનોમાં નવી ચેતના, નવી સ્ફૂર્તિ અને નવા જોશનો સંચાર કરશે એવી શુભેચ્છા ઓ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે પાઠવી હતી. દાંડીથી નીકળેલી આ મોટરસાયકલ રેલી દિલ્હી સુધીના માર્ગમાં એકતા અને અખંડતાની ભાવના વધુ સુદ્રઢ બનાવશે એવી અપેક્ષા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ એનસીસી છાત્રો ના રાષ્ટ્ર પ્રેમ ભાવ ને બિરદાવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ અગ્ર સચિવ હૈદર,એનસીસી ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ તથા એન સી સી છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.