ઉમંગ ઉત્સાહનાપર્વ મકરસંક્રાંતિની શનિવારે નગરજનોએ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. ઉતરાયણ પર્વ નિમિત્તે આકાશમાં પતંગ ઉત્સવની ઉજવણી સાથે લોકોએ વિવિધ પ્રકારના વ્યંજનોનો સ્વાદ માણી, દાન-પુણ્યનું મહાત્મય પણ ચરિતાર્થ કર્યું હતું. શનિવારે ઉતરાયણ નિમિત્તે સવારથી પતંગ રસિયાઓ ધાબે ગોઠવાઈ ગયા હતા. મકાન તથા ફ્લેટ્સની અગાસીઓ પતંગ રસિયાઓથી છલકાતી જોવા મળી હતી. ગઈકાલે દિવસ દરમિયાન સાનુકૂળ પવન સાથે ઠંડક ભર્યો માહોલ હોવાથી લોકોએ વિવિધ આકાર-પ્રકારના નાના-મોટા પતંગો ઉડાવી અને અનેરી મોજ માણી હતી. ખાસ કરીને યુવા હૈયાઓના પર્વ મકરસંક્રાંતિમાં ધાબે ચડેલા લોકોએ ડીજે – મ્યુઝિક સિસ્ટમ સાથે પતંગ ઉડાવી, “એ કાયપો છે. ગગનભેદી નાદ જુદા-જુદા ધાબા ઉપર સાંભળવા મળ્યા હતા. આનંદની ચિચિયારીઓથી સવારથી સાંજ સુધી વાતાવરણ ગુંજતું સંભળાયું હતું. આટલું જ નહીં, પતંગ પ્રેમી તથા ગરબા પ્રેમી લોકોએ ધાબે મ્યુઝિક સિસ્ટમ સાથે ગરબાની પણ મોજ માણી હતી. આ વચ્ચે લોકોએ ખાસ કરીને ઊંધિયું, ખાંડવી, ખમણ, રસપાત્રા સાથે ચીકી, તલના લાડુ, મમરાના લાડુ વિગેરેની જયાફત પણ માણી હતી. શહેરમાં અનેક વિક્રેતાઓએ વ્યાપક પ્રમાણમાં ઊંધિયાનું વેચાણ કર્યું હતું. જેનો આસ્વાદ મોટી સંખ્યામાં લોકોએ માણ્યો હતો.
આ વખતે ચોક્કસ સંયોગના કારણે મકરસંક્રાંતિનો એક ભાગ રવિવારે હોવાથી વિવિધ સ્થળોએ તેમજ અન્ય પ્રકારે લોકોએ રવિવારે અનેકવિધ પ્રકારની ચીજ વસ્તુઓનું દાન કર્યું હતું. આ ઉપરાંત ગઈકાલે રવિવાર હોવાથી પણ અનેક લોકોએ પતંગ ઉડાડવાની મોજ માણી હતી.