દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં પઠાણી વ્યાજ વસૂલવા સબબ ત્રણ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા ત્રણ દિવસમાં વધુ ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં મહીલાઓ સહિત કુલ સાત આસામીઓ સામે ગુનો નોંધાયો છે.
ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં રહેતા વેપારી યુવાન દીપેશ ઉર્ફે ભીખો નારણદાસ કાનાણી નામના 40 વર્ષના યુવાને આજથી આશરે સવા વર્ષ પૂર્વે અત્રે યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા દલુ રામદેભાઈ કારીયા નામના શખ્સ પાસેથી રૂા. 50,000 હાથ ઉછીના લીધા હતા. તેના બદલામાં દલુ કારીયાએ ફરિયાદી દીપેશ કાનાણી પાસે સાડા ત્રણ લાખ રૂપિયા લીધા હોવાનું લખાણ કરાવી લઈ, ફરિયાદીની સહીવાળા રકમ વગરના બે કોરા ચેક લઈ લીધા હતા.
બાદમાં ફરિયાદીએ આરોપીને રકમ પરત આપી દીધા હોવા છતાં પણ તેના સહી કરેલા કોરા ચેક કે લખાણ પરત ન આપી તેમણે જાન્યુઆરીથી જુલાઈ સુધી રૂા.56,100 વ્યાજ લીધું હતું. આટલું જ નહીં, આરોપીએ બિભત્સ ગાળો કાઢી, ફરિયાદીની સહીવાળા કોરા ચેક બાઉન્સ કરાવવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા પડાવી લેવાના ઇરાદાથી આજ સુધી કુલ રૂા.1,88,100 એમ મહિનાના વીસ ટકા જેટલું ઊંચું વ્યાજ લીધું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ પ્રકરણમાં કોરા ચેકમાં રૂા. 6.10 લાખની રકમ ભરીને ચેક બાઉન્સ કરાવી, બળજબરીપૂર્વક ઉંચુ વ્યાજ વસૂલ કરવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
અન્ય એક ફરિયાદ દ્વારકાના મુરલીધર ટાઉનશિપ ખાતે રહેતા પરસોત્તમભાઈ હરજીભાઈ કણજારીયા નામના 42 વર્ષના સતવારા વેપારી યુવાને ઘનશ્યામ નગર ખાતે રહેતા હસમુખભાઈ ઉર્ફે હકાભાઈ સુમડ રાજગોર અને શ્રીનાથજી હોટેલ વાળા શારદાબેન રાજગોર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પરસોતમભાઈએ આરોપીઓ પાસે એક વર્ષ પૂર્વે રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા. તેના રોજના રૂા. 1,000 લેખે ફરીયાદીએ ત્રણ મહિના સુધી કુલ 90 હજારની રકમ વ્યાજ પેટે ચૂકવી, મૂળ મુદ્દલ રૂ. એક લાખ ચૂકવી છતાં ફરીયાદી પાસે યુનિયન બેન્કનો બ્લેક ચેક બળજબરીપૂર્વક લખાવેલો હતો તે પરત નહી આપી જ્યાં સુધી ચડત રકમના રૂા. 35,000 નહીં આપે ત્યાં સુધી ચેક નહીં મળે અને પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
ભાણવડ પોલીસ મથકમાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોપ ગામે રહેતા ઈશાભાઈ ગુલમામદભાઈ ઘુઘા નામના 60 વર્ષના સંધી મુસ્લિમ વૃદ્ધ દ્વારા ભાણવડમાં રહેતા કારા સુલેમાન ઘુઘા તથા મધુબેન જીતુભાઈ ઝાલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી ઈશાભાઈનો આશરે રૂપિયા 1.20 લાખની કિંમતનો સોનાનો ત્રણ તોલાનો ચેન આરોપીઓએ પોતાની પાસે ગીરવે રાખીને તેની અવેજમાં રૂા.60,000 વ્યાજે આપ્યા હતા. જેની ફરિયાદી ઈશાભાઈ પાસેથી અવારનવાર વ્યાજના નાણાંની ઉઘરાણી કરી, ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક તેમની માલિકીના મકાનનો રૂપિયા 1.10 લાખનો સોદા કરાર કરાવવા સબબ ગુનો નોંધવામાં આવ્યો છે.
કલ્યાણપુર તાલુકાના ડાંગરવાડ ગામે રહેતા હોથીભાઈ લીલાભાઈ અમર નામના 46 વર્ષના મેર યુવાન દ્વારા ખંભાળિયા તાલુકાના ભાડથલ ગામે રહેતા જીવાભાઈ મારખીભાઈ ચાવડા તેમજ તેના ભત્રીજા ચપર ગામના હમીર જગાભાઈ ચાવડા પાસેથી આજથી આશરે ત્રણ વર્ષ પૂર્વે રૂપિયા દસ લાખ વ્યાજે લીધા હતા. તે પૈસા બદલ ફરિયાદી હોથીભાઈએ તેમની આઠ વીઘા જમીનનો દસ્તાવેજ હમીરભાઈ જગાભાઈ ચાવડાના નામનો કરી આપ્યો હતો.
લીધેલી રકમનું 2020 સુધીનું ત્રણ ટકા લેખે અઢી લાખ વ્યાજ આપી દીધું હતું અને વર્ષ 2021નું અઢી ટકા લેખે દર મહિને રૂા. 25,000 ના હપ્તે રૂા. ત્રણ લાખ તેમણે આપ્યું હતું. આ પ્રકરણમાં જીવાભાઈ ચાવડાએ રૂા.50,000 નું કમિશન લીધું હતું. આમ, વ્યાજ અને કમિશન સહિત કુલ રૂ. સાડા નવ લાખની ચુકવણી ફરિયાદી હોથીભાઈએ કરી આપી હતી. અને નવેમ્બર 2022 થી વ્યાજના પૈસા આપવાનું બંધ કરી દીધું હતું.
જેથી આરોપી જીવાભાઈ મારખીભાઈએ ફરિયાદીની વાડીએ જઈને તેમને તથા તેમના પરિવારના સભ્યોને અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી, વધુ વ્યાજ કઢાવવા માટે દબાણ કરવામાં આવતું હોવા અંગેની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.