વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબા મોદીને મંગળવારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં વડાપ્રધાન બુધવારે અમદાવાદની હોસ્પિટલમાં આવી હિરાબાના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. દરમિયાન શુક્રવારે રાત્રીના 3:30 વાગ્યાના અરસામાં હિરાબાએ અંતિમ શ્ર્વાસ લીધા હતાં. હિરાબાના નિધન અંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ દ્વારા લખ્યું હતું કે જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહેશે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી. આ ઉપરાંત વધુમાં તેમણે લખ્યુ હતું કે શાનદાર શતાબ્દીનો ઈશ્વરની ચરણોમાં વિરામ, માં મેં હમેશા એ ત્રણ ત્રિમૂર્તિની અનુભુતિ કરી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિ:સ્વાર્થ કર્મયોગી અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનના પ્રતીકનો સમાવેશ રહ્યો છે.
આજે સવારે હિરાબાના નિધન બાદ તેમના પાર્થિવ દેહને પંકજભાઇ મોદીના ઘરે રાખવામાં આવ્યા હતાં. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના
ચાર ભાઇઓએ માતા હિરાબાના અંતિમ દર્શન કર્યા હતાં. તેમના ઘરેથી અંતિમ યાત્રા નિકળી હતી અને વડાપ્રધાન મોદી અને તેના ભાઇઓએ માતાની અંતિમ યાત્રાને કાંધ આપી હતી. પાર્થિવદેહની ગાંધીનગર સેકટર 30માં આવેલા સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હિરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. હિરાબા મોદી પરીવાર સાથે અનેક યાદો છોડીને સ્વર્ગવાસ થયા. આ પહેલા પીએમ મોદી શબ વાહિનીમાં માતાના પાર્થિવ દેહ સાથે હતા. હિરાબાની સ્મશાન યાત્રામાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હતા.
વડાપ્રધાન મોદીના માતા હિરાબાનું શતાયુ વર્ષે નિધન થયું છે. તેમના નિધનને લઈને સમગ્ર દેશના દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. ત્યારે તેમનું વતન પણ શોકમગ્ન છે. તેમના વતન વડનગરમાં વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળીને શ્રદ્ધાંજલી આપશે. હીરાબાની વડનગરમાં અનેક યાદો જોડાયેલી છે. તેઓ એક નીડર મહિલા તરીકે એ સમયે વડનગરમાં ઓળખ ધરાવતાં હતાં. વડાપ્રધાન મોદીએ પણ તેમના બ્લોગમાં વડનગરની યાદોને હીરાબાના જન્મ દિવસે યાદ કરી હતી.
વડનગરના વેપારી એસોસિએશને સ્વયંભૂ જ બંધ પાળીને શ્રદ્ધાજલી આપી છે. હીરાબાના અવસાન બાદ વડનગરના લોકોમાં પણ શોકની લાગણી છે. વેપારીઓએ આજે સવારે જ જાહેરાત કરી હતી કે, વડાપ્રધાનના માતાનું નિધન થવાથી શહેરના તમામ વેપારીઓ શુક્ર, શનિ અને રવિવારે બંધ પાળશે. નગરના સર્વે નાગરીકો આ દુ:ખદ પ્રસંગે ઘેરા શોક અને દુ:ખની લાગણી અનુભવે છે.
જ્યારે હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની તબિયત ફરીથી તંદુરસ્ત થાય તે માટે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. હીરાબાના દીર્ઘ આયુષ્યને લઈ રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર મંદિરમાં ભૂદેવો દ્વારા હીરાબા સ્વસ્થ થઈ પરત ફરે તેવી હાટકેશ્વર મહાદેવને પ્રાર્થના કરાઈ હતી.
હિરાબાના પરિવારે લાગણીસભર અપીલ કરી
હિરાબાના પરિવારે સૌને ભાવભરી અપીલ કરી હતી. તેમના પરિવાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં પ્રાર્થના કરવા બદલ અમે દરેકનો વ્યક્તિનો આભાર માનીએ છીએ. અમારી સૌને નમ્ર વિનંતી છે કે દિવંગત આત્માને તમારા વિચારોમાં રાખો અને તમારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને ચાલુ રાખો તે જ હિરા બાને સાચી શ્રદ્ધાંજલિ હશે.