યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ગુજરાતની ઐતિહાસિક ધરોહરને સ્થાન મળ્યું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના કામચલાઉ લિસ્ટમાં મોઢેરાના સૂર્યમંદિર અને વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રિપુરાના ઉનાકોટી શિલ્પોને પણ યાદીમાં સામેલ કરાયા છે. મંગળવારે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી અને ત્રણ સાઇટ્સની તસવીરો પણ દર્શાવી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ભારતને અભિનંદન. યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારતની વધુ 3 સાઇટ્સનો સમાવેશ: વડનગર – ઐતિહાસિક નગર, મોઢેરાનું સૂર્યમંદિર અને સંલગ્ન સ્મારકો, ઉનાકોટીના શિલ્પો. વડનગર મહેસાણા જિલ્લાનું પ્રાચીન શહેર છે. તે ભવ્ય વારસો ધરાવે છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહનગર પણ છે. પુરાતત્વ વિભાગે પણ કેન્દ્રીય મંત્રીની ટ્વિટ શેર કરી હતી અને જણાવ્યું હતું કે, આ પગલાથી ભારતની સાંસ્કૃતિક ધરોહરને પ્રોત્સાહન મળશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, યાદીમાં ભારતની ત્રણ સાઇટ્સના સમાવેશ માટે નામ લગભગ 15 દિવસ પહેલાં મોકલાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ માટે નામ મોકલાયા હતા અને ત્રણેય નામનો સમાવેશ કરાયો છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ માટે દર વર્ષે કામચલાઉ યાદીમાંથી નામ મોકલાય છે. સાઇટની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. મોઢેરાનું સૂર્ય મંદિર સૂર્ય ભગવાનને સમર્પિત છે. ભારતનું મંદિર સ્થાપત્ય કલાનો તે ઉત્કૃષ્ટ નમૂનો છે. તે માત્ર સ્થાપત્ય કલા જ નહીં, ટેક્નોલોજી અંગેની સિદ્ધિઓથી પણ પ્રભાવિત કરે છે. મંદિર શિલ્પોથી સુશોભિત છે, જે તે કલાત્મક ઉત્કૃષ્ટતાનું ઉદાહરણ પૂરું પાડે છે. મંદિર 11મી સદીમાં પશ્ચિમ ભારત ખાતે સોલંકી વંશની મરુ-ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ઓક્ટોબરમાં મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. તેમણે ત્યારે હેરિટેજ લાઇટિંગનું પણ ઉદઘાટન કર્યું હતું. આ સાથે મોઢેરાનું સૂર્યમંદિર માત્ર સૂર્ય ઊર્જાથી ચાલતી ભારતની પહેલી હેરિટેજ સાઇટ બની હતી એવી માહિતી વડાપ્રધાન કાર્યાલયે આપી હતી.