સંસદના શિયાળુ સત્રમાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ સુશીલ મોદીએ સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો છે. તેમણે એને સમાજ માટે ઘાતક અને ભારતીય સંસ્કૃતિ માટે નુકસાનકર્તા ગણાવ્યું છે. સુશીલ મોદીએ દલીલ કરી છે કે આનાથી સમાજનું સ્વરૂપ બગડશે, સમાજના તાણા-વાણા બગડશે. એટલા માટે ભારતમાં આવો કાયદો ન લાવવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે બ્રિટિશકાળથી સમલૈંગિકતાને ગુનો ગણવામાં આવતો હતો. સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં આઇપીસીની કલમ 377ને રદ કરી દીધી હતી, જે પછી ભારતમાં સમલૈંગિકતા કાયદેસર છે, પરંતુ હજુ સુધી દેશમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે કહ્મું હતું કે બે પુરૂષ કે બે મહિલાઓ એકબીજા સાથે સંબંધ બાંધે તો એ ગુનાની શ્રેણીમાં આવતું નથી. અગાઉ પોલીસ હેરાન કરતી, ધરપકડ કરતી. એક રીતે તેમને સાથે રહેવાની મંજૂરી મળી હતી. હવે તેઓ માગ કરે છે કે તેમને વૈવાહિક માન્યતા મળે. આ વાતનો મેં વિરોધ કર્યો છે.
સુશીલ મોદીએ કહ્યું હતું કે મેં આ અંગે દલીલ કરી છે કે ભારતીય પરંપરા, રિવાજો અને સંસ્કૃતિને અસર થશે. લગ્નનો અર્થ એટલે સ્ત્રી અને પુરુષનો હોય છે. એક પુરુષ અને સ્ત્રીના લગ્ન કરે છે. લગ્ન બે પુરુષ વચ્ચે હોતા નથી. હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી દરેક ધર્મમાં માત્ર એક સ્ત્રી અને એક પુરુષના જ લગ્ન થાય છે. કોઈપણ ધર્મમાં સમલૈંગિક લગ્નની જોગવાઈ નથી.
તેમણે કહ્યું હતું કે 30 દેશોએ એને માન્યતા આપી છે. એને માન્યતા આપવા માટે અમેરિકામાં ગયા અઠવાડિયે એક બિલ પસાર કરવામાં આવ્યું છે. એશિયાઈ દેશમાં માત્ર તાઈવાને જ તેને માન્યતા આપી છે. ભારતમાં આવો કોઈ કાયદો ન બનાવવો જોઈએ. જો સરકાર એનો વિરોધ કરતી હોય તો સરકારે કોર્ટમાં પણ એનો વિરોધ કરવો જોઈએ.