દિલ્હીના દક્ષિણ જિલ્લાના પાલમ વિસ્તારમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. રાજ નગર પાર્ટ-2માં એક ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ એક છોકરાએ તેના પિતા, બે બહેનો અને દાદીની છરી વડે હત્યા કરી હતી. પોલીસને મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ ઘટનાની તપાસમાં લાગેલી છે. પ્રાથમિક માહિતી મુજબ પુત્ર પર હત્યાનો આરોપ છે. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી છે. પોલીસ પુત્રની પૂછપરછમાં વ્યસ્ત છે કે તેણે હત્યા કેમ કરી. ત્યારે એક જ પરિવારના ચાર લોકોની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે પાલમ વિસ્તારમાં એક ઘરમાં બે બહેનો, તેમના પિતા અને દાદી સહિત એક જ પરિવારના ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. આરોપી ઝડપાઈ ગયો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પુત્ર ડ્રગ્સનો બંધાણી છે. તે થોડા દિવસ પહેલા જ વ્યસન મુક્તિ કેન્દ્રમાંથી પરત આવ્યો હતો. ઘરમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ તેણે ચારેયની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો. તે ઘરમાં જ મૃતદેહો પાસે બેસી રહ્યો. હાલમાં તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.