દારૂના કેસમાં ફરિયાદીના એક્ટિવા જમા નહીં લેવા અને ફરિયાદીનું નામ નહીં બતાવવા માટે લાંચની માગણી કરનાર ઘાટલોડીયાના હેકોને એસીબીએ લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ફરિયાદીના બે એક્ટિવા દારુના કેસમાં જમા નહીં લેવા તેમજ દારુના કેસમાં ફરિયાદીના ભાઇ તથા એક માણસને જવા દેવા અને ફરિયાદીનું નામ નહીં બતાવવા આરોપી ઘાટલોડીયાના હેકો જયદીપસિંહ ધીરુભાઇ પઢેરીયાએ ફરિયાદી પાસેથી રૂા. 65000ની લાંચની માગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માગતા ન હોય તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા આ અંગે ફરિયાદ નોંધી અમદાવાદ એસજી હાઇવે ઉપર રિલાયન્સ મોલની આગળ છટકુ ગોઠવી આરોપી જયદીપસિંહને ફરિયાદી પાસેથી રૂા. 65000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતાં. આ કાર્યવાહી અમદાવાદ એસબીનો મદદનીશ નિયામક કે.બી. ચુડાસમાના સુપરવિઝન હેઠળ અમદાવાદ એસીબીના પીઆઇ સી.જી. રાઠોડ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.