જામનગરમાં ઇન્દિરા માર્ગ પર 11 કે.વી ની હેવી વિજ લાઈનમાં ગઈકાલે મોડી રાત્રે ફોલ્ટ સર્જાયો હતો, અને કેબલમાં મોટા પ્રમાણમાં સ્પાર્ક થયા પછી વીજ પુરવઠો બંધ થયો હતો. મોડી રાત્રે વિજ તંત્રની ટુકડી દોડતી થઈ હતી અને માત્ર અડધો કલાકમાં જ સમારકામ હાથ ધરી લેવાયું હતું, અને વીજ પુરવઠોે પૂર્વવત બનાવ્યો હતો.
જામનગરના ઇન્દિરા માર્ગ પર એમ. પી. શાહ કોમર્સ કોલેજ નજીકના ભાગમાં આવેલા બે વિજ ટ્રાન્સફોર્મરના ઉપરના ભાગે આવેલી હેવી વિજ લાઈનમાં ફોલ્ટ સર્જાયો હતો, અને જુદા જુદા બે ટ્રાન્સફોર્મર ના ઉપરના જોઈન્ટ ના ભાગે મોટા પ્રમાણમાં સ્પાર્ક થવાથી વીજ વાયરો સળગી ઊઠ્યા હતા, અને ભડકા થઈને વીજ વાયરના તણખા નીચે પડી રહ્યા હતા.
જેના કારણે ઇલેવન કેવીનો વીજ પુરવઠો ખોરવાયો હતો. અંદાજે રાત્રિના સવારે ચારેક વાગ્યાના અરસામાં આ ફોલ્ટ સર્જાયો હતો, અને ઇલેવન કે વી નો વીજ પુરવઠો બંધ કરાયો હતો.
જે વિજ ફોલ્ટ ની જાણ થવાથી ઇલેવન કેવી હાઈ ટેન્શન લાઇનના વીજ અધિકારી ડી.ડી. મારુ તેમજ સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન ના વીજ અધિકારી અજય પરમાર ની રાહબરી હેઠળ આઠ જેટલા વીજ કર્મચારીઓની ટુકડી મધ્ય રાત્રે દોડતી થઈ હતી, અને માત્ર અડધો કલાકના સમયગાળા દરમિયાન સમારકામ પૂરું કરી લીધું હતું, અને વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હતો.
ઇલેવન કેવીના હેવી વિજ વાયરો બળી ગયા હોવાથી તન્ના હોલ પાસેના જુદા જુદા બે વીજ ટ્રાન્સફરો ને મોડી રાત્રે અલગ કરી દેવાયા હતા, અને બાકીના વિસ્તારનો વીજ પુરવઠો શરૂ કરી દેવાયો હતો.
બાકીની સમાર કામની કામગીરી આજે સવારે આટોપી લેવામાં આવી હતી. આમ વીજ તંત્રની ટુકડીઓ દ્વારા અડધી રાત્રે પણ સમારકામની કામગીરી હાથ ધરીને માત્ર અડધો કલાકમાં જ વિજપુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દીધો હતો.