દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર નાગેશ્ર્વર રોડ પર લાડવા ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-38-બીબી-1315 નંબરના સફેદ રંગની બ્રેઝા મોટરકારના ચાલકે આ માર્ગ પર જીજે-37-સી- 4880 નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા રાયદાનભાઈ ડોસાભાઈ સુમાર નામના 25 વર્ષના ચારણ યુવાનને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની મોટી ઈજાઓ થતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે ધીણકી ગામના પાગાભાઈ રૂખડભાઈ સુમાતની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે બ્રેઝા મોટરકારના ચાલક પ્રવિણસિંહ બાબુભા સોલંકી (રહે. ઉકરડી, જી. અમદાવાદ) સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ માલદેભાઈ ઓડેદરા નામના 21 વર્ષના યુવાને ગત તારીખ 21 મીના રોજ પોતાની જિંદગીથી કંટાળી જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક રમેશભાઈને આજથી આશરે એક વર્ષ પહેલા ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેની સારવાર પણ કરવામાં આવી હતી. પરંતુ આ બનાવ બાદ તેનો મગજ બરાબર કામ કરતો ન હોવાથી તેણે આ પગલું ભરી લીધું હોવાની જાણ માલદેભાઈ રામભાઈ ઓડેદરાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
દ્વારકાથી આશરે 27 કિલોમીટર દૂર નવી મઢી ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર આશરે 30 થી 35 વર્ષના એક અજાણ્યા મુસ્લિમ પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ગત તારીખ 23મી ના રોજ આ અજાણ્યો યુવાન ટ્રેનની અડફેટે આવી જતા અથવા કોઈપણ રીતે ચાલુ ટ્રેનમાંથી પડી જતા ઇજાગ્રસ્ત બનવાના કારણે મૃત્યુ પામ્યો હોવા અંગેની જાણ સ્થાનિક રહીશ માયાભાઈ ગોપાલભાઈ ગઢવીએ દ્વારકા પોલીસને કરતા દ્વારકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેનો બનાવ નોંધ્યો છે.
ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રહેતા વાલાભાઈ ભીખાભાઈ પીપરોતર નામના 45 વર્ષના યુવાનને દિવાળીના દિને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.