વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દિલ્હી ખાતેથી કિસાન સન્માન સંમેલન 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબ્બકામાં 600થી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પૈકી જામનગર જિલ્લામાં પણ ત્રણ પીએમકેએસકે કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાંથી બે કેન્દ્રો જામનગર અને એક કેન્દ્ર કાલાવડ ખાતે ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા નાઘેડી રોડ, ગોકુલનગર જકાતનાકા પાસે, સીતારામપાર્ક સોસાયટીમાં કાર્યરત કરાયેલા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રના ઇ-લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ કિસાન સંમેલન-2022ને વર્ચ્યુઅલ મધ્યમથી નિહાળ્યું હતું. બાદમાં સાંસદએ કેન્દ્રની મુલાકાત લીધી હતી.
ખેડૂત સન્માન સંમેલનમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો ખેડૂતોને કૃષિ વિષયક જાણકારી મેળવવા તેમજ કૃષિ-ઇનપુટ્સની ખરીદી થઈ થકે તે માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. ખેડૂતોની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ સરકારની કામગીરીથી ખેડૂતોના પ્રશ્ર્નોનું નિવારણ થઈ રહ્યું છે. કિસાન સમૃદ્ધિ કેન્દ્રો ખેડૂતો માટે વન સ્ટોપ સેન્ટરની જેમ ઉપયોગી બની રહેશે. તેમને આ સેન્ટર પોતાનું કાર્યાલય લાગશે. અને નિપૂર્ણ લોકો દ્વારા કૃષિ વિષયક પ્રશ્નોનું નિરાકરણ તેમજ ઉપયોગી માહિતી સાથો સાથ ખેડૂતોને યુરિયા, ઓર્ગેનિક ખાતર સહિતની જરૂરી કૃષિ ઉપયોગી વસ્તુઓ પણ મળી રહેશે. ખેડૂત સીધો લાભ લઈ શકે તે રીતે જમીન, બિયારણ અને ખાતર પરીક્ષણ માટેની સુવિધાઓ પણ અંહી ઉપલબ્ધ છે. તેમની જરૂરિયાત મુજબના નાના-મોટાં ખેત ઓજારો તથા ડ્રોન માટે કસ્ટમ હાયરીંગ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથોસાથ સરકારી યોજનાઓ અંગે પણ ખેડૂતો માહિતી મેળવી શકશે.
આ સંમેલનમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન કે. બી. ગાગીયા, સિંચાઇ સમિતિના ચેરમેન વિનુભાઈ, જગદીશભાઇ, સુરુભા જાડેજા, મનસુખભાઈ, જીએસએફસીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સી.કે.મહેતા, તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ ફાચરા, એપીએમસીના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, કિસાન મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, જીએસએફસીના ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જ ધર્મેશ પટેલ, અધિકારીઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.