પ્રધાનમંત્રી મોદીના જામનગર ખાતેના કાર્યક્રમમાં સરકારી મશીનરીનો દૂર ઉપયોગ પ્રધાનમંત્રીના આગામી તા.10 ના રોજ જામનગર ખાતેના જુદા જુદા ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સ્થળ ઉપર જરૂરી પબ્લિક, મેદની એકઠી કરવા માટે આંગણવાડી કાર્યકરોને નોડલ ઓફિસર અને મદદનીશ નોડલ ઓફિસર તરીકે એક આંગણવાડી દિઠ 100 વ્યક્તિને કાર્યક્રમમાં લઇ આવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એક બાજુ રાજ્ય સરકાર કુપોષણ નાબુદ કરવા પોષણમાસની ઉજવણી કરે છે ને બીજી બાજુ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મેદની એકઠી કરવા માટે જામનગર મહાનગરપાલિકા સંચાલિત 303, આંગણવાડી બંધ રાખી બાળકોને રઝડાવી, કુપોષણમાં વધારો કરવામાં આંગણવાડી બહેનોને આઈસીડીએસ સિવાયની કામગીરીમાં જોતરી સરકારી મશીનરીનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા બહેનોને ધાક ધમકી આપી ફરજિયાત આવા તાયફાઓમાં તાળીઓ પાડવા જોતરવામાં આવતા હોવાનો આક્ષેપ જામનગર શહેર કોંગે્રસ સમિતિના મહામંત્રી ભરત વાળા દ્વારા કરવામાં આવ્યો હતો.