જામનગર શહેરમાં ત્રણ સ્થળે ઘરફોડી અંગેની નોંધાયેલી પોલીસ ફરિયાદમાં ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે. ચોરી કરતી ગેંગના બે શખ્સોને રૂા.80 હજારની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પાંચ આરોપીઓ ફરાર હોય તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગરના મયુર એવન્યુ વિસ્તારમાં રહેતા પિયુષભાઈ મઘોડીયાના અને તેના પડોશીના મકાનમાંથી ગત તા.3 ના તસ્કરો રોકડ તથા ઘરેણા મળી કુલ રૂા.2 લાખ 44 હજારની માલમતા ચોરી કરી લઇ ગયા હતાં. આ ઉપરાંત તા.23 ના રોજ પ્રણામી ટાઉનશીપમાં રહેતા રાજેન્દ્ર મહેશભાઈ આશિયાણીના મકાનમાંથી રોકડ તથા ઘરેણાં મળીને રૂા.1 લાખ 22 હજારની માલમતા તસ્કરો ચોરી કરી લઇ ગયા હતાં. જ્યારે તા.12 ના મહેશભાઈ ગોરધનભાઇ સાવલિયાના ઘર પાસેથી એક બાઈકની ચોરી થઈ હતી. આ ચોરીના બનાવોમાં પોલીસને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર શખ્સો કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે છે. આથી પોલીસે દરોડો પાડીને સુનિલ રોડુભાઈ અજનારી અને બીજું જગદીશભાઈ મેહડા નામના મૂળ મધ્ય પ્રદેશના બે શખ્સો ને ઝડપી તેના કબ્જામાંથી 30 હજારની રોકડ રકમ, ચાર નંગ મોબાઇલ ફોન, એક લેપટોપ તથા મોટરસાઈકલ કબ્જે કર્યુ હતું.
આ બન્ને આરોપીની પૂછપરછમાં તેમના અન્ય પાંચ સાગરિતો મહેશ ઉર્ફે નાનકો વાસકોલિયા, રાજુ ઉર્ફે ડુડિયો, પ્રભુ, રાહુલ વાસકોલિયા અને ગોલુના નામ ખૂલ્યા હતાં. જેથી પોલીસે આ પાંચેય શખ્સોની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી અને આ ત્રણ ચોરીનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા સાંપડી હતી.