જામનગરના શરૂ સેકશન વિસ્તારમાંથી એક શખ્સને કરોડોની કિંમતના 10 કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જયારે ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય ત્રણ શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જામનગર નેવલ ઇન્ટેલીજન્સને મળેલી બાતમીને આધારે શહેરના શરૂ સેકશન વિસ્તારમાં આશાપુરા હોટલ નજીક શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એક શખ્સને પોલીસે અટકાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ આ શખ્સની તલાસી દરમ્યાન તેની પાસે રહેલાં થેલામાંથી જુદા-જુદા પેકેટમાં પેક કરેલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમ્યાન પકડાયેલું ડ્રગ્સ એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ્સના જથ્થા સાથે આ શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. જયારે તેના કબજામાંથી 10 કિલો એમ.ડી. ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ડ્રગ્સની કિંમત અંદાજે 6 કરોડ હોવાનું માનવામાં આવે છે. નેવલઇન્ટલીજન્સ દ્વારા ઝડપાયેલા શખ્સની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પૂછપરછ દરમ્યાન અન્ય ત્રણ જેટલા શખ્સો પણ ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતાં તેને દબોચી લેવા માટે જાળ બિછાવવામાં આવી છે.