Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરભાણવડના રાણપર ગામે યુવાનની સગા સાળાઓ દ્વારા કરપીણ હત્યા

ભાણવડના રાણપર ગામે યુવાનની સગા સાળાઓ દ્વારા કરપીણ હત્યા

ધંધામાં ભાગીદારીના મુદ્દે બનેવીના હત્યારાઓની ધરપકડ

- Advertisement -

ભાણવડ તાલુકાના રાણપર ગામે બુધવારે સાંજે બે શખ્સો દ્વારા ધંધામાં ભાગીદારીની બાબતે સગા બનેવીને મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ બન્યો હતો. જે સંદર્ભે સ્થાનિક પોલીસે આરોપીઓની અટકાયત કરી લીધી હતી.

- Advertisement -

આ ચકચારી પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના રાણપર ગામે વણકરવાસમાં રહેતા પાલાભાઈ રાજાભાઈ સાદીયા તથા તેમના બે સગા સાળાઓ ગોવિંદ નથુભાઈ ખરા અને અરવિંદ નથુભાઈ ખરા સાથે મળીને પથ્થરની પાટ વેચવાનું કામ કરતા હતા. જેમાં પૈસા મળે તે સરખા ભાગે વહેંચી લેતા હતા.

આ વચ્ચે ગઈકાલે સાંજે પાલાભાઈ તથા તેમના પત્ની સોમીબેન સાદીયા અપરણિત એવા ગોવિંદ અને અરવિંદના ઘરે ગયા હતા. જ્યાં સોમીબેનના બંને સગા ભાઈઓ એવા ગોવિંદ અને અરવિંદે પાલાભાઈને ભાગમાં રાખવાની ના કહી, “અમે જ આ પથ્થરની પાટ વેચીશું” તેમ હતા થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા બંને ભાઈઓએ પોતાના બનેવીને બિભત્સ ગાળો કાઢી, તેમનો કાઠલો પકડી અને ઝપાઝપી કરી હતી. જેનાથી પડી ગયેલા પાલાભાઈ પાસે આવીને આરોપીઓએ “આજે તો તને મારી જ નાખવો છે” તેમ કહી મકાનના ફળિયામાં રહેલા કુહાડાના ત્રણ ઘા ઝીંકી દેતા પાલાભાઈ ગંભીર ઈજાઓ સાથે લોહી લોહાણ હાલતમાં ઘટના સ્થળે જ ફસડાઈ પડ્યા હતા.

- Advertisement -

આનાથી હેબતાઈ ગયેલા સોનીબેન વચ્ચે પડતા તેણીના ભાઈ અરવિંદે મારી નાખવાના ઈરાદાથી તેણીને પણ લાકડાના ગેડીયાનો ઘા મારી દેતા તેણીને પણ માથામાં ઈજાઓ સાથે ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ આરોપી બન્ને ભાઈઓ નાસી છૂટ્યા હતા. અને ઇમર્જન્સી 108 ને જાણ કરવામાં આવતા 108 ના સ્ટાફે પાલાભાઈને તપાસીને તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવના અનુસંધાને અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્થાનિક પી.એસ.આઈ. પી.ડી. વાંદા તેમજ સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતો. જેમાં જામનગર સારવારમાં રહેલા સોમીબેન પાલાભાઈ સાદીયા (ઉ.વ. 45) ની ફરિયાદ પરથી પોલીસે તેણીના બંને ભાઈઓ ગોવિંદ તથા અરવિંદ નથુ ખરા સામે આઇપીસી કલમ 302, 307, 323, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. હત્યા બાદ નાસી છૂટેલા બંને શખ્સોની પોલીસે ગઈકાલે વિધિવત રીતે અટકાયત કરી હતી. જે બંનેને આવતીકાલે તપાસની અધિકારી પી.ડી. વાંદા દ્વારા સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવશે. સાળાઓ દ્વારા સગા બનેવીની ઘાતકી હત્યાના આ બનાવે નાના એવા રાણપર ગામમાં ભારે ચકચાર જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular