જામનગર શહેરમાં ધરારનગર-1 હાઉસિંગ બોર્ડની ચાલીમાં રહેણાંક મકાનમાંથી થયેલ ચોરીના કેસમાં સીટી બી પોલીસે એક શખ્સને રૂા. 29,600ની કિંમતના સોના-ચાંદીના દાગીના સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ધરારનગર-1 હાઉસિંગ બોર્ડની ચાલીમાં સોના-ચાંદીના ઘરેણાંની ચોરી થઇ હતી. કેસનો આરોપી એકડેેઅક બાપુની દરગાહ પાસે ઉભો હોય અને સોના-ચાંદીના દાગીના વહેંચવા માટે પ્રયત્ન કરતો હોવાની સીટી બીના એ.એસ.આઇ. હિતેશભાઇ ચાવડા, પો.કો. યુવરાજસિંહ જાડેજા તથા હે.કો. રાજેશભાઇ વેગડને બાતમી મળી હતી.
જેના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાની સૂચના તથા પીઆઇ કે.જે. ભોયેના માર્ગદર્શન મુજબ સીટી બીના પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, વિપુલભાઈ ગઢવી સહિતના સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળેથી રેડ દરમ્યાન અકબર હુશેન બુટા નામના શખ્સને સોના-ચાંદીના દાગીના સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ દરમ્યાન ચાર દિવસ પૂર્વે ધરારનગર-1 હાઉસિંગ બોર્ડની ચાલીમાં આવેલ એક રહેણાંક મકાનમાંથી ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. પોલીસ દ્વારા આરોપી પાસેથી રૂા. 29600ની કિંમતના સોના-ચાંદીના દાગીના કબ્જે કર્યા હતા.