સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના કેન્સર વિભાગમાં નિષ્ણાંત તબીબની તાકિદે નિમણુંક કરવા ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમે માંગણી કરી છે.
રાજયના આરોગ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, જી.જી. હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. હાલમાં હોસ્પિટલના કેન્સર વિભાગમાં પીડિત દર્દીઓને રેડિયો થેરાપી આપવા માટે નવા મશીનો વસાવવામાં આવ્યા છે. તેમજ હાલ આ વિભાગમાં પ0 જેટલા દર્દીઓ સારવાર પણ લઇ રહયા છે. અહીં સૌરાષ્ટ્રના ખૂણેખૂણાથી દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ કેન્સર વિભાગમાં નિષ્ણાંત તબીબ ન હોવાને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં અદ્યતન સુવિધાઓ હોવા છતાં દર્દીઓને સારવાર માટે છેક અમદાવાદ સુધી લાંબા થવું પડે છે. દર્દીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી જી.જી.ના કેન્સર વિભાગમાં તાત્કાલિક નિષ્ણાંત તબીબની નિમણુંક કરવી જોઇએ.