જામનગર સિકકા પોલીસે બેડ ટોલનાકા પાસેથી 11,250 કિલો શંકાસ્પદ ઘઉં-ચોખાના જથ્થા તથા ચાર બોલેરો વાહન સાથે સાત શખ્સોને ઝડપી લઇ કુલ રૂા.13,85,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ સિકકા પોલીસ સ્ટેશનના હેકો.સુધિરસિંહ જાડેજાને ખંભાળિયા તરફથી ચાર બોલેરો ગાડીમાં શંકાસ્પદ રીતે ઘઉં-ચોખાનો જથ્થો ભરી જામનગર તરફ આવતા હોવાની બાતમી મળી હતી. જેથી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇની સુચના અને સિકકાના પીએસઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન મુજબ હેકો.સુધિરસિંહ જાડેજા, ચંદ્રકાંતભાઇ ગાંભવા, પો.કો.બાબુભાઇ ઝાલા તથા કમલેશભાઇ કરથીયા, સહિતના સ્ટાફ દ્વારા બેડ ટોલનાકે નાકાબંધી દરમ્યાન રાજુ બાપુડા કનીપા, પરબત દલુ ભાચકન, મહેબુબ ગુલાબશા ફકીર, મુળુભા રવુભા જાડેજા, અનવર હુસેન બાવામીયા ફકીર, સબિર જુનુસ ભાયા તથા સલીમ ગુલાબશા ફકીર નામના સાત શખ્સોને કુલ 11,250 કિલો ઘઉં-ચોખા તથા ચાર બોલેરો મળી કુલ રૂા.13,85,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.